બનાસકાંઠા: જિલ્લાના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા પહેલા મિહિર પટેલ અમદાવાદથી સીધા અંબાજી ખાતે માઁ અંબાના દર્શને પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં વર્ષોની પરંપરા છે કે જે કોઈ કલેક્ટર બનાસકાંઠાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળે છે તેઓ સૌપ્રથમ જગવિખ્યાત 51 શક્તિપીઠ માં અંબાના ધામમાં પહોંચીને માતાજીના આશીર્વાદ મેળવે છે ત્યારે બનાસકાંઠાના નવીન કલેકટર મિહિર પટેલ પણ આજે ચાર્જ સંભાળતા પહેલા માં અંબાના દર્શન માટે અંબાજી ખાતે પહોંચ્યા હતા.
બનાસકાંઠાના કલેક્ટર વરૂણકુમાર બરનવાલી મંત્રી પિયુષ ગોયલના ઓએસપી તરીકે બદલી થતાં નવીન કલેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર પટેલને બનાસકાંઠાના કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે ત્યારે તેઓ આજે ચાર્જ સંભાળતા પહેલા માં અંબાના ધામમાં પહોંચી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.
ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા: અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કલેકટર મિહિર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે એસડીએમ દાંતા સિદ્ધિ વર્મા, અંબાજી મંદિર વહીવટદાર કૌશિક મોદી તેમજ અંબાજી પીઆઈ આર.બી .ગોહીલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. કલેકટરે માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના પણ ખાસ આશીર્વાદ મેળવ્યા હતા. માઁ અંબાના આશીર્વાદ મેળવી કલેકટર મિહિર પટેલ સિદ્ધિવિનાયક મંદિર પહોંચીને દર્શન કર્યા હતા. જોકે નવીન કલેકટરનુ અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી દ્વારા માતાજીની પ્રતિમા આપીને સન્માન કર્યું હતું.
અંબાજી ખાતે કલેકટર પહોંચતા અંબાજીના મિડીયા મિત્રો દ્વારા પણ નવીન કલેકટરનું માઁ અંબાની ચુંદડી આપીને સન્માન કરવામાં હતું અને આ માતાજીની છબી ભેટ સ્વરૂપે આપી હતી. કલેકટરે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં આગામી દિવસોમાં મેળા માટે ભાદરવી પૂનમના મેળા માટે જિલ્લા તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળો સુખ શાંતિ રીતે પરિપૂર્ણ થાય અને યાત્રાળુઓને કોઈ જ અગવડતા ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.