રાજકોટ: શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે રેસીડન્ટ ડોક્ટર દ્વારા માનવતા નેવે મૂકવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગુરુવારની રાત્રે 10 વાગ્યાની આસપાસ 108 દ્વારા મવડી વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધા સાથે તેના કોઈપણ સગા સંબંધી ન હોવાના કારણે સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પ ડેસ્ક દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રથમ ઇમરજન્સી વોર્ડ અને ત્યારબાદ તેમને અન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ત્યારે શુક્રવારના રોજ વહેલી સવારે છ વાગ્યા આસપાસ હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા વૃદ્ધા બાબતે તપાસ કરવામાં આવતા વૃદ્ધા તેમના બેડ પર જોવા નહોતા મળ્યા. જેના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતા વૃદ્ધા પીએમ રૂમ પાસે સ્ટ્રેચરમાં પડેલા જોવા મળ્યા હતા. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના RMO દ્વારા તપાસ કરવામાં આવતા રેસીડેન્ટ ડોક્ટર દ્વારા વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે પીએમ રૂમ પાસે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવ્યા હતા. વૃદ્ધાને હાથમાં સડો થઈ ગયો હોવાના કારણે સિવિલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના મીડિયા કોર્ડીનેટર હેતલ કયાડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'સમગ્ર મામલે તાત્કાલિક અસરથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે જે કોઈ પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સિવિલ અધિક્ષક તેમજ મેડિકલ કોલેજના ડીન દ્વારા જે તે વ્યક્તિને સસ્પેન્ડ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે તેમ છે.'
આ પણ વાંચો: