જામનગર: મહાનગરપાલિકા દ્વારા રેલવે વિભાગ પાસે વસૂલવાની થતી 34.92 કરોડની રકમના સંદર્ભમાં રેલવેની મિલકત સીલ કરાતાં દોડધામ મચી ગઇ હતી. જી.જી. હોસ્પિટલની બાજુમાં આવેલી રેલવેની ચાલુ ઓફિસ ખાલી કરાવીને જામનગર મનપાની ટીમે ઓફિસને સીલ મારી દેતાં રેલવે તંત્ર દોડતું થઇ ગયું હતું.
જામનગર મનપાએ રેલ્વે વિભાગની કચેરીને સીલ માર્યુ: જામનગર મહાનગરપાલિકાના સૌથી મોટા બાકીદાર એવા રેલવે વિભાગ દ્વારા લાંબા સમયથી સર્વિસ ચાર્જના રૂપિયા 34.92 કરોડની રકમ ભરપાઈ કરવાની થાય છે, આખરી નોટિસ આપવા છતાં પણ રેલવે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં ન આવતાં આખરે આજે જામનગર મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમે જી.જી. હોસ્પિટલની બાજુમાં આવેલી રેલવેની કચેરીએ પહોંચી જઈ, ચાલુ ઓફિસને ખાલી કરાવીને ત્યાં જામનગર મહાનગરપાલિકાના સીલ લગાવી દીધા હતા, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
કેન્દ્ર સરકાર મિલ્કતોમાં મ્યુનિ સર્વિસ ચાર્જ વસુલી શકે છે: નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર કેન્દ્ર સરકાર મિલકતોમાં મ્યુનિ સર્વિસ ચાર્જ વસુલ કરવાનો હક્ક રહે છે. અને તે અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગને આ ચુકાદો આવ્યા બાદ સને 2009 થી આજ સુધી સર્વિસ ચાર્જ ભરપાઈ કરવા અને એમઓયુ કરવા અનેક વખત પત્રો તથા સર્વિસ ચાર્જના બીલો મોકલી પત્રવ્યવહાર કરવામાં આવ્યા છે. જે બાબતે તા. 14 ડિસેમ્બર 2023થી એમ.ઓ.યુ. કરવામાં આવેલા, જેને 6 માસ જેટલો સમય થયો હતો, રેલ્વે વિભાગ દ્વારા સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરવામાં આવેલી નથી. રેલ્વે વિભાગને માગ્યા મુજબની તમામ વિગતો અત્રેથી પૂરી પાડવામાં આવેલી છે, અને પુરતી તકો આપવામાં આવેલી છે.
રેલ્વે વિભાગે સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરી ન હતી: મ્યુનિસિપલ કમિશનરની સહીથી આખરી નોટીસો પણ પાઠવવામાં આવલી છે. તેમ છતાં રેલ્વે વિભાગે સર્વિસ ચાર્જની રકમ ભરપાઈ કરી ન હતી. આમ રેલ્વે વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા અને મહાનગરપાલિકા જામનગર સાથે થયેલ એમ.ઓ.યુ.ની શરતોનો સંપૂર્ણ ભંગ કરવામાં આવેલો છે. જામનગર શહેર વિસ્તારમાં સમાવિષ્ટ થતી રેલ્વે વિભાગની જુદી-જુદી 13 મિલકતોમાં તા. 31 માર્ચ 2025 સુધી કુલ બાકી સર્વિસ ચાર્જની રકમ રૂ.34.92 કરોડની રકમ વસુલ કરવાની થાય છે.
ઓફિસને સીલ મારતા રેલ્વે તંત્ર દોડતું થયું: ઘી. બી.પી.એમ.સી. એકટ 1949ની કલમ-141-A-એ અનુસાર રેલ્વે વિભાગની જી.જી. હોસ્પિટલ ની બાજુમાં આવેલી મિલકતમાં સર્વિસ ચાર્જ વસુલાત કરવાના ભાગરૂપે રેલવેની ચાલુ કચેરી કે જેમાં સ્ટાફ હાજર હતો, તેઓને ખાલી કરાવી અને તે મિલકત ઉપર જામનગર મહાનગરપાલિકાના સીલ લગાવી દેવાયા હતા. જામનગર મહાનગર પાલિકાની ટેક્સ વિભાગ ટીમ દ્વારા આ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતા રેલ્વે તંત્ર દોડતું થયું છે.