ખેડા: જિલ્લાના ઉત્તરસંડા ગામનો મઠીયા-પાપડ ગૃહ ઉદ્યોગ આજે દેશ-વિદેશમાં જાણીતો બન્યો છે. અહીં બનતા મઠીયા, પાપડ અને ચોળાફળીની દેશ સહિત વિદેશમાં પણ એટલી જ માંગ જોવા મળે છે. પાપડ, મઠીયા અને ચોળાફળી આ ગામની ઓળખ બની ગઈ છે. ગામમાં આવેલી અનેક ફેક્ટરીમાં પાપડ, મઠીયા અને ચોળાફળી તૈયાર થાય છે. આ ગૃહઉદ્યોગ ગામ તેમજ આજુબાજુના અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યો છે.
ઉતરસંડા ગામની એક આગવી ઓળખ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદની નજીક આવેલા ઉત્તરસંડા ગામના પાપડ અને મઠીયા દેશ-વિદેશમાં વખણાય છે. આ ગામ મઠીયા અને પાપડનું હબ ગણાય છે. દિવાળીમાં મઠીયા ચોળાફળી લેવા માટે દૂર-દૂરથી લોકો અહી આવે છે. અહીના મઠીયા-પાપડ વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. ઉતરસંડા ગામના મઠીયા-પાપડના ગૃહ ઉદ્યોગે એક આગવી ઓળખ ઊભી કરી છે.
અનેક લોકોને ઘરઆંગણે રોજગારી પૂરી પાડે છે: ગામમાં આવેલ 30 ઉપરાંત ફેક્ટરીમાં ઓટોમેટીક પ્લાન્ટ દ્વારા પાપડ, મઠીયા અને ચોળાફળી તૈયાર થાય છે. અહીંનો આ ગૃહઉદ્યોગ ગામનું નામ દેશ વિદેશમાં ગુંજતું કરવા સાથે અનેક લોકો માટે રોજગારીનું પણ માધ્યમ છે. આ ગૃહ ઉદ્યોગ ગામ તેમજ આજુબાજુના વિસ્તારના અનેક લોકોને ઘર આંગણે રોજગારી પણ પુરી પાડી રહ્યો છે. એક ફેક્ટરીમાં અંદાજે 40-45 લોકોને રોજગારી મળે છે.
સિઝનમાં માંગમાં વધારો જોવા મળે છે: દિવાળીના તહેવાર પર અહીની ફેક્ટરીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં મઠીયા, પાપડ, ચોળાફળીનો જથ્થો તૈયાર કરવામાં આવે છે. તહેવારોની સિઝનમાં અહીંના પાપડ, મઠીયા અને ચોળાફળીની માગમાં વધારો જોવા મળે છે. આ ઉદ્યોગની શરૂઆત 30 વર્ષ પહેલા કરવામાં આવી હતી. ત્યારથી આ ગૃહ ઉદ્યોગની સફર અવિરત ચાલી રહી છે. જેણે આજના ફાસ્ટ ઉદ્યોગોની સામે પણ પોતાનું અડીખમ વર્ચસ્વ ટકાવી રાખ્યું છે.
અહીના મઠીયા ઓસ્ટ્રેલિયા,અમેરિકા જાય છે: ફેક્ટરી માલિક તુષારભાઈએ જણાવ્યું હતું કે, ઉત્તરસંડાનું પાણી એવું છે કે, જેનાથી પાપડ, મઠીયા અને ચોળાફળી સરસ બને છે. અહી બધાની ફેક્ટરી છે, બધાનો ધંધો થાય છે. અહીના મઠીયા બધાને ભાવે છે. અહીના મઠીયા ઓસ્ટ્રેલિયા, અમેરિકા, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના દેશ, શહેરો અને આજુબાજુના ગામોમાં જાય છે. જેને લોકો વખાણે છે.
આ ઉદ્યોગ લોકો માટે આશિર્વાદ રૂપ છે: ફેક્ટરીમાં કામ કરતાં રોશનભાઈએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 5 વર્ષથી અહીં કામ કરૂ છું. અમારા ગામના લોકોને રોજગારી મળી રહે છે. બહાર કામ શોધવા જવું નથી પડતું. આજુબાજુના ગામના લોકો પણ અહીં આવે છે. એ લોકોને પણ રોજગારી મળી રહે છે. અમારા માટે આશિર્વાદરૂપ છે.
આ પણ વાંચો: