સુરતઃ થોડા મહિના પૂર્વે જુનાગઢ તાલુકા પોલીસે મેંદરડા તાલુકાના સીમાસી ગામના રાજુ જાદવને શંકાસ્પદ હિલચાલ કરતા પકડી પાડ્યો હતો. કાર સાથે પકડાયેલા રાજુ જાદવે પોતાને પરસોત્તમ સોલંકીના પી એ તરીકે ગણાવીને રૌફ જમાવ્યો હતો. જોકે, પોલીસ તપાસમાં રાજુ જાદવ પરસોત્તમ સોલંકીનો પીએ નહીં હોવાની વિગતો સામે આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારબાદ રાજુ જાદવે જુનાગઢ સહિત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં પોતાની ખોટી અને નકલી અલગ-અલગ ઓળખ ઊભી કરીને લોકોને છેતરવાનું ષડયંત્ર ચલાવી રહ્યો હોવાની વિગતો પણ સામે આવી હતી.
જુનાગઢ પોલીસની ફરિયાદ બાદ અન્ય જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ રાજુ જાદવ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારે માણાવદરમાં નોંધાયેલી ફરિયાદને આધારે જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી રાજુ જાદવને પાસા તળે અટકાયત કરીને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ ભેગો કર્યો છે.
નકલી પીએ બની કરતો છેતરપિંડીઃ રાજ્ય પ્રધાનમંત્રી પુરુષોત્તમ સોલંકીના પી.એ તરીકેની નકલી ઓળખ અને આધાર ઉભા કરીને જાહેરમાં રૌફ જમાવીને ફરતા રાજુ જાદવ સામે જુનાગઢ પોલીસે આકરી કાર્યવાહી કરી છે. રાજુ જાદવ આ પ્રકારના ગુનાઓ કરવાની માનસિકતા ધરાવતો હોવાને કારણે પણ તે અન્ય લોકોને આ જ પ્રકારે છેતરપિંડીનો ભોગ બનાવીને તેમને કોઈ નુકસાન પહોંચાડી શકે છે.
આવી પોલીસની ભલામણ ને આધારે જુનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાજુ જાદવ વિરુદ્ધ પાસા કાયદાનું હથિયાર ઉગામીને તેને આકરી સજા થાય તેવી દલીલો કરતા કોર્ટે પણ ગંભીરતા દાખવી. નકલી ઓળખ અને આધાર ઉભા કરીને રૌફ જમાવતા આરોપીમાં કાયદાનો ડર પેદા થાય અને બનાવટી ઓળખ ઉભી કરીને લોકોને છેતરતા લોકોમાં કાયદાનો ભય પેદા થાય અને આવા લોકો સામે કોર્ટે ચિમાચિન્હ ચુકાદો આપ્યો છે.