જુનાગઢ: નૈઋત્યનું ચોમાસુ હજી પણ ખેડૂતોને અકડાવનારી રાહ જોવડાવી શકે છે. મુંબઈ તરફથી ગુજરાતમાં આવતું ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સ્થિર થઈને આજના દિવસે નિષ્ક્રિય જોવા મળે છે, જેને કારણે જૂન મહિનાના અંતમાં ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
નૈઋત્યનું ચોમાસુ જોવડાવી શકે છે રાહ: નૈઋત્યનું ચોમાસુ ખેડૂતો અને સૌ કોઈ માટે ચિંતાજનક સમાચાર લઈને આવ્યું છે. એક અઠવાડિયા પૂર્વે મહારાષ્ટ્રમાં વરસાદ બાદ એવી શક્યતાઓ ઊભી થઈ હતી કે, ચોમાસુ ગુજરાતમાં 15 મી જુનની આસપાસ દસ્તક દેતું જોવા મળશે, પરંતુ મહારાષ્ટ્રથી આગળ વધ્યા બાદ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયું છે. આજના દિવસે નૈઋત્યનું ચોમાસુ નિષ્ક્રિય જોવા મળે છે, જેને કારણે 15મી જૂન સુધી ગુજરાતમાં કોઈપણ વરસાદની શક્યતાઓ નકારવામાં આવી છે. જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં ચોમાસુ ફરી સક્રિય થાય અને ગુજરાતમાં વાવણી જોગ વરસાદ થાય તેવી શક્યતાઓ જુનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમ પર નિર્ધારણ: નેઋત્યનું ચોમાસુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાઇ રહેલી હવાના નીચા દબાણની સિસ્ટમને આધારે આગળ વધી શકે છે. હાલ હવાનું નીચું દબાણ અને કોઈપણ સિસ્ટમ બંગાળના અખાત કે અરબી સમુદ્રમાં જોવા મળી નથી. જેને કારણે નૈઋત્યનું ચોમાસુ વિલંબમાં પડી રહ્યું છે. સામાન્ય રીતે 15 જુનની આસપાસ ગુજરાતમાં વરસાદ થતો હોય છે, પરંતુ આ વર્ષે 15 દિવસ ચોમાસું મોડું રહેવાની સંભાવના જુનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અગાઉના વર્ષોમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો વરસાદ આવી જતો હોય છે, તે સમયે હવાનું નીચું દબાણ અને વરસાદની સિસ્ટમ બંગાળના અખાત અને અરબી સમુદ્રમાં સક્રિય જોવા મળતી હોય છે. પાછલા કેટલાક વર્ષોના અનુભવ પરથી એવું પણ સ્પષ્ટ થયું છે કે, ચોમાસા પૂર્વે બંગાળના અખાત અને અરબી સમુદ્રમાં જે ચક્રવાત અને વાવાઝોડું ચોમાસા પૂર્વે સક્રિય બનતું હતું તેને કારણે ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદ થતો હોય છે, પરંતુ આ વર્ષે આવી એક પણ સિસ્ટમ કે વાવાઝોડું સક્રિય થયું નથી જેને કારણે ચોમાસુ વિલંબમાં ચાલી રહ્યું છે.
1લી જુલાઈ બાદ વાવણીની શક્યતા: આ વર્ષનું ચોમાસુ સામાન્ય રીતે 15 દિવસ જેટલું મોડું ચાલી રહ્યું છે, જેને કારણે ચોમાસાની વાવણી એક જુલાઈની આસપાસ થાય તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સામાન્ય રીતે 15 જુનની આસપાસ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાવણી કાર્ય પૂરું થઈ જતું હોય છે. પરંતુ, આ વખતે ચોમાસુ નિષ્ક્રિય રહેતા વાવણી કાર્ય 1લી જુલાઈ બાદ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજના દિવસે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અતિ વધારે હોવાને કારણે બફારાનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. તો બીજી તરફ આ સમય દરમિયાન બફારો હોવાને કારણે દિવસનું સરેરાશ તાપમાન 38 થી 40 ડિગ્રી સુધી ગયું છે અને હજી પણ કેટલાક દિવસો સુધી આ તાપમાન જોવા મળી શકે છે, તેવી શક્યતા પણ જુનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.