તાપી: ST-SC સમાજ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ નોંધાવી આજે ભારત બંધનું એલાન કર્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા ST-SC કોટામાં વર્ગીકરણ અને ક્રિમિલેયર દાખલ કરતો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેનો વિરોધ sc-st સેલ ના કેટલાક લોકો દ્વારા નોંધાવી વિરોધ વ્યક્ત કરાયો હતો. આજે ભારત બંધનું એલાન કર્યું હતું, જેને લઈ મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં પણ બંધ જોવા મળ્યું હતું.
ST-SCના વિરોધ વચ્ચે જિલ્લાના વેપારીઓએ લારી ગલ્લાથી લઈને ખાણી પીણીની દુકાનો સહિત ઘરવપરાશની વસ્તુઓની દુકાનો બંધ હોવાથી વિધાર્થીઓ સહિત લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. આવશ્યક સેવાઓ મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવી છે.
ભારત બંધને અનુલક્ષીને તાપી જિલ્લામાં બંધ કરાવવા આદિવાસી આગેવાનો સહિત વ્યારા વિધાન સભાના પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામિત તથા બારડોલી લોકસભાના 2024ના ઉમેદવાર સિધ્ધાર્થ ચૌધરી સહિતના સમાજના આગેવાનો વેપારી મંડળ સહિત દુકાને દુકાને ફરી બંધ રાખવા માટે તેમના દ્વારા વિનંતી કરવામાં આવી હતી.
વ્યારા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામીત એ જણાવ્યું હતું કે, આદિવાસીઓના હક અને અધિકારો પર દેશની સરકાર અને સુપ્રીમ કોર્ટ એ જે રીતે નિર્ણય લીધો છે એની સામે આદિવાસીને રમાડવામાં આવી રહ્યા છે. એવું કહેવાય તો ખોટું નથી કે અખતરો કરવામાં આવી રહ્યો છે. ડૉ બાબાસાહેબ આંબેડકરે જે કાયદા કાનૂન બનાવ્યા છે એ સંવિધાનને વળગીને અમે રહ્યા છે એટલા માટે આજે અમે વ્યારા શહેરના વેપારીઓ અને વ્યારા શહેરના આગેવાનો બધા સાથે મળીને અમે આ ભારત બંધના એલાન સફળ બનાવ્યું છે. સંવિધાન ન બદલાય એના માટે અમે સંપૂર્ણપણે આદિવાસીઓના હક અને અધિકારોનો સવાલ ઊભો થાય છે ત્યારે આ હક અને અધિકારો માટે અમે છેવટ સુધી લડી લેવા તૈયાર છે.