જુનાગઢ: પરબધામમાં અષાઢી બીજના પાવન પર્વને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બીજના દિવસે અંદાજિત 2,લાખ કરતાં વધુ લોકો માટે ભોજન ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમમા ભાગ લેવા માટે આવી રહ્યા હોવાના પગલે કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાંથી ભક્તો અમર દેવીદાસ સતદેવીદાસના દર્શન કરવા માટે ઉમટી પડશે જેને ધ્યાને રાખીને પણ સમગ્ર પરબધામ મંદિર પરિસરમાં આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે
2 લાખથી વધુ ભાવિકો ઉમટવાનો અંદાજ: પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી: દિન દુખિયાની સેવા કરવા માટે સમગ્ર ભારત વર્ષમાં પરબધામ આજે પણ આસ્થાનું કેન્દ્ર છે. અહીં આદિ અનાદિ કાળથી અષાઢી બીજના દિવસે પરબધામના મેળાની ઉજવણી થતી હોય છે. પરબધામ મંદિર પરિસર દ્વારા સમગ્ર મેળાનું આયોજન પૂર્ણ કરવાને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. અષાઢી બીજના દિવસે અંદાજિત 2 લાખ કરતા વધુ ભાવિ ભક્તો દેવીદાસ બાપુ અને અમર માના દર્શનાર્થે આવી રહ્યા હોવાના પગલે પ્રસાદ સહિતની પણ વ્યવસ્થા પરબધામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે.
પરબ ધામનું મહાત્મય: જુનાગઢ નજીક આવેલું પરબધામ સંત દેવીદાસ બાપુ અને અમર માની સેવા કરવા માટે આજે પણ આસ્થાનું કેન્દ્ર બને છે, રક્તપિતના દર્દીઓની સેવા સ્વયમ દેવીદાસ બાપુ અને અમર મા દ્વારા કરવામાં આવતી હતી. રક્તપિતનો રોગ આજથી વર્ષો પૂર્વે ખૂબ જ ભયાનક માનવામાં આવતો હતો તેવા સમયે પરબધામમાં દિન દુખિયાઓની સેવા કરીને દેવીદાસ બાપુ અને અમર માએ અલખને ઓટલે એક અનોખી ધૂણી ધખાવી હતી. અષાઢી બીજના પાવન પર્વે જીવતા જીવત દેવીદાસ બાપુ અને અમર માએ સમાધિ લીધી હતી. ત્યારથી અષાઢી બીજના દિવસે પરબધામમાં મેળાનુ આયોજન થાય છે અને અમરમાં અને દેવીદાસ બાપુના ભક્તો સત દેવીદાસ અમર દેવીદાસના નાદ સાથે મેળામાં દર્શન કરવા માટે અચૂક આવે છે.
ક્યાં આવેલું છે પરબ ધામ: સંત શ્રી દેવીદાસ બાપુએ જ્યાં સમાધિ લીધી હતી એ પવિત્ર સ્થાનક આજે પરબ ધામ તરીકે ઓળખાઈ છે, ૧૮મી સદીમાં થઈ ગયેલા સૌરાષ્ટ્રના સંત દેવીદાસને સમર્પિત આ તીર્થધામ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. આ પવિત્ર સ્થળ જૂનાગઢના ભેંસાણ તાલુકા પાસે આવેલું છે. અષાઢી બીજના પર્વને લઈને ગુજરાત એસટી વિભાગ દ્વારા ખાસ બસો પણ દોડાવવામાં આવે છે.