રાજકોટ: ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આજે ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રામાં જે જે મોટી ઘટનાઓ બની છે. જેમાં મોરબીનો ઝુલતાપુલની દુર્ઘટના, વડોદરાની હરણીકાડની ઘટના, સુરતની તક્ષશિલાની ઘટના અને રાજકોટના ટીઆરપી ગેમઝોનની ઘટના આ સમગ્ર ઘટનાઓના પીડિત પરીવારોને ન્યાય મળે તેના માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં આજે મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે.
આ ન્યાય યાત્રામાં પીડીત પરિવારો પણ જોડાઈ રહ્યા છે અને સત્તાધારી પક્ષ પાસે ન્યાયની માંગ કરી રહ્યા છે. આ ન્યાય યાત્રા સફળ બનાવવા માટે કોંગ્રેસ દ્વારા એડી ચોટીની જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. જે પીડીત પરિવારો પણ આ ન્યાય યાત્રામાં જોડાશે. તેવી કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજે કેટલાક પીડિત પરિવારો મીડિયા સમક્ષ આવ્યા હતા અને ન્યાય યાત્રામાં નથી જોડાવાનું તેવું તેમણે જણાવ્યું હતું.
આ અંગે પીડિત પરિવારોએ જણાવ્યું હતું કે અમે રાજકારણમાં પડવા માંગતા નથી. અમને અત્યાર સુધીની સરકારની જે પણ ન્યાયી પ્રક્રિયાઓ થઈ છે તેનાથી સંતુષ્ટ છીએ. તો સાથે સાથે આવી દુર્ઘટના બીજી વાર ન બને તેની તકેદારી પણ તંત્ર રાખે તેવું જણાવાયું હતું. આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ટીઆરપી ગેમ ઝોમઝોનનો કેસ ઝડપી ગતિએ કોર્ટમાં ચાલે અને સ્પેશિયલ પીપી રાખવામાં આવે તેવી માંગ પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી હતી. આગામી રવિવારના રોજ આ ન્યાય યાત્રા રાજકોટ પહોંચવાની છે. ત્યારે કોંગ્રેસનું આ ન્યાય યાત્રા રાજકોટમાં કેટલી સફળ થશે તે જોવું રહ્યું.