નવસારી: ચોમાસાની શરૂઆતની સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધી જતો હોય છે જેને નાથવા માટે આરોગ્ય વિભાગ ચોમાસા પહેલાથી શરૂઆત કરતું હોય છે. તેમ છતાં નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મુનસાડ ગામે ઝાડા ઉલટીના 14 જેટલા કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ છે. કોલેરાની આશંકાએ સેમ્પલો લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે.
નવસારી જિલ્લામાં ચોમાસા દરમિયાન કોઈને કોઈ ગામ રોગચાળાના ભરડામાં આવી જતું હોય છે. ચાલુ વર્ષે પણ ચોમાસાની શરૂઆતની સાથે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મુનસાડ ગામના મોટા ફળિયામાં એક સાથે 14 જેટલા ઝાડા ઉલટીના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગામમાં રોગચાળાના ભરડામાં આવેલા લોકોને અંબાડા પીએચસી સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે આરોગ્ય વિભાગે ગામમાં પીવાના પાણીની લાઈનો તથા પીવાના પાણીનું ફ્લોરિનેશન કરવાની શરૂઆત કરી છે. આરોગ્ય વિભાગે ઝાડા ઉલટીના રોગનો ભોગ બનેલા લોકોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાવ્યા છે. અને કોલેરા રોગગ્રસ્ત છે કે કેમ એની દિશામાં તપાસ હાથ ધરી છે.
રોગચાળા નિયંત્રણ અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, નવસારીના મુનસાડ ગામે મોટા ફળિયા ખાતે ઝાડા ઉલટીના કેસો નોંધાયેલા હતા. જેની માહિતી સીએસસી ખાતેથી અમને મળતા અમે તાત્કાલિક છ જેટલી પેરા મેડિકલ અને મેડિકલ ટીમ મુનસર ગામે મોકલાવી હતી. જેમાં અમને 13 કેસ મળ્યા હતા જેમાં અમે નવને દાખલ દર્દી તરીકે સારવાર આપી હતી. અને અન્ય ચારને ઓપીડી બેઝ સારવાર આપી હતી અને ગઈકાલે અમને બીજા ચાર કેસો મળ્યા હતા જેમાં અમે બેને દાખલ દર્દી અને બેને દર્દી તરીકે સારવાર આપી હતી. સમગ્ર મામલે પ્રાથમિક તપાસમાં અમને પાણીની લાઈનમાં લીકેજીસ જોવા મળ્યું છે. જે રોગચાળાનું મુખ્ય કારણ અમને લાગી રહ્યું છે એની તપાસમાં અમે પાણીના સેમ્પલ અને પેશન્ટના ટુલ્સ અમે લેબોરેટરી ખાતે મોકલાવ્યા છે જ્યારે દાખલ થયેલા તમામ દર્દીઓને સતત ડોક્ટરની ટીમ દ્વારા મોનિટરિંગ કરી સારવાર આપવામાં આવી રહી છે, જેમાં એક દર્દીને રજા પણ આપી દેવામાં આવી છે. પંચાયતની ટીમ સાથે કોઓર્ડીનેશન કરી લીકેજનું રીપેરીંગ કામ પણ કરી દેવામાં આવ્યું છે. રોગચાળો વધુ વકરે તે માટે તકેદારી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે.