દાહોદ: જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી પીપળીયા ગામની સાડા 6 વર્ષની ઉંમરને માસૂમ વિદ્યાર્થિનીનો મૃતદેહ તોયણી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવતા સમગ્ર જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને તપાસ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો છે.
બાળકી પોતાના ઘરે પરત ફરી નહોતી: પોલીસ સુત્રો અનુસાર મળેલી માહિતી મુજબ સિંગવડ તાલુકાના પીપળીયા ગામે નદી ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ ભરતભાઈ બારીયાની સાડા 6 વર્ષની ઉંમરની દીકરી ધ્રુવીશાબેન બારીયા ગઈકાલે સવારે 10:00 વાગે સુમારે રોજની જેમ તોયણી ગામે પ્રાથમિક શાળામાં જવા માટે ઘરેથી નીકળી હતી. શાળાનો સમય પ્રમાણે સાંજે 5 વાગ્યા સુધીનો હોય અંધારું થઈ ગયું છતાં ધ્રુવીશાબેન પોતાને શાળામાંથી ઘરે પરત ન આવતા બાળકીના માતા-પિતા તેમજ ઘરના અન્ય વ્યક્તિઓ ચિંતિત બન્યા હતા અને શાળામાં જઈને તપાસ હાથ ધરી હતી.
શાળાના કમ્પાઉન્ડમાંથી બાળકીની લાશ: આ સંદર્ભે રણધીકપુર પોલીસ સ્ટેશન એ પણ જાણ કરતા રણધીકપુર પોલીસ ટીમ પણ ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે દોડી આવી હતી. શાળામાં તપાસ કરતી બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસ તેને તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને બાળકીને મૃત જાહેર કરતા બાળકીના પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. શાળા પરિવારમાં પણ શોક છવાઈ જવા પામ્યો હતો. મરણ પામનારી બાળકીના પિતાએ આપેલી જાહેરાતને પગલે રણધીકપુર પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માતમાં મોતના ગુનાનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો: રણધીકપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી શાળા છૂટ્યા બાદ પરત પોતાના ઘરે ન પહોંચતાં બાળકીના પરિજનોએ તપાસ કરતા શાળાના પાછળના ભાગે કમ્પાઉન્ડના આગળના ભાગે બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી. તેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લઈ જતા ફરજ પરના તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. હાલ પોલીસ દ્વારા અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લોકોની કાર્યવાહી કરવાની માંગ: પ્રાથમિક શાળા પરિસરમાંથી મળી આવેલા માસૂમ દીકરીના મોતને પગલે જવાબદાર વ્યક્તિઓ પોતાના કર્તવ્યનો બરાબર પાલન કરતા તો આજે માસુમનો જીવ બચી શકતો હતો. તેવી સ્થાનિક લોકોમાં ચર્ચાએ સ્થાન લીધું છે. ત્યારે પોતાના કર્તવ્યનો પાલન નહીં કરતા વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
આ પણ વાંચો: