સુરત: શહેરના અમરોલી સાયણ રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાને તેની સાથે કામ કરતા યુવકે પ્રેમજાળમાં ફસાવી તેણીના પતિની ગેરહાજરીમાં ઘરે મળવા જઈ નશીલો પદાર્થ પીવડાવી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર પરપ્રાંતિય પરણીત યુવાન વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રરપ્રાંતિય પરિણીત યુવક સાથે આંખ મળી: અમરોલી-સાયણ રોડ વિસ્તારમાં રહેતી રાજસ્થાન સિરોહીની 25 વર્ષીય એક સંતાનની માતા કાપડના કારખાનામાં ઘાગા કટીંગનું કામ કરી એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરતા પતિને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. જે દરમિયાન પરિણીતાની પોતાની સાથે કારખાનામાં નોકરી કરતા ઈરફાન ઇરસદખાન નામના પ્રરપ્રાંતિય પરિણીત યુવક સાથે આંખ મળી ગઈ હતી. દરમિયાન પતિની ગેરહાજરીમાં ઈરફાન પરિણીતાને મળવા આવતો હતો અને ત્યારે નશીલો પદાર્થ પીવડાવી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતુ.
પોલીસ ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી: નશીલો પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચરનાર નરાધમ ઈરફાને મોબાઈલમાં પરિણીતાના બિભત્સ ફોટા ક્લીક કરવાની સાથે વિડીયો પણ ઉતારી લીધો હતો. ત્યાર બાદ આ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા પાસે ટુકડે-ટુકડે રૂ.60 હજાર પડાવ્યા હતા અને બે થી ત્રણ વખત શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે ગત ફેબ્રુઆરીમાં પતિ સાથે વતન ગઈ ત્યારે પરિણીતાએ પોતાની સાથે થયેલી સમગ્ર ઘટનાની જાણ કરતા છેવટે રાજસ્થાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ માટે અમરોલી પોલીસમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે.
વિડીયો વાયરલ કરવાની ધમકી: પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી પટેલએ જણાવ્યું હતું કે ફરિયાદ મુજબ આરોપીએ મહિલાનો ફોટો અને વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી એટલું જ નહીં ઓક્ટોબર 2023 થી લઈ ફેબ્રુઆરી 2024 સુધી મહિલાનો પતિ જ્યારે ઘરે ન હોય ત્યારે આરોપી ઈરફાન તેના ઘરે આવતો હતો. આરોપી વિરુદ્ધ દુષ્કર્મ ખંડણી, એટ્રોસિટી તેમજ આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.