જુનાગઢ: સોમનાથમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા તેમની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા કામો પર તેમના નામ સાથેની તકતી પરથી તેમનો ફોટો દૂર કરતા વિવાદ ઊભો થયો છે. સમગ્ર મામલામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કાયદાકીય હથિયારના સહારે રહીને જિલ્લા વહીવટી તંત્ર સામે બાથ ભીડી છે.
કોંગ્રેસ ધારાસભ્ય અને રાજ્યની સરકાર સામસામે
પાછલી બે વખતથી સોમનાથ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહેલા અને સોરઠ પંથકમાં એક માત્ર કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હવે રાજ્ય સરકાર સામે બાથ ભીડવા તૈયાર થયા છે. સમગ્ર મામલો ધારાસભ્ય ફંડમાંથી નિર્માણ પામેલા એસટી બસ સ્ટેન્ડના પીક અપ સ્ટેન્ડને લઈને છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત વર્ષો દરમિયાન ધારાસભ્યના અનુદાનમાંથી બનાવવામાં આવેલા પિકઅપ સ્ટેન્ડ પરથી ધારાસભ્યના નામની સાથે રહેલો વિમલ ચુડાસમાનો ફોટો દૂર કર્યો છે. જેને લઈને ધારાસભ્ય જિલ્લા વહીવટી તંત્રની સાથે રાજ્યની સરકાર સામે બાથ ભીડી છે.
વિમલ ચુડાસમા જણાવે છે કે, જાહેર સ્થળ પર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનેલું પીક અપ સ્ટેન્ડ જનતાની મિલકત છે. જેને નુકસાન કોઈ ન કરી શકે. વધુમાં પીકઅપ સ્ટેન્ડ પરથી તેમનો ફોટો દુર કરાયો છે. જેથી તેમની વ્યક્તિગત માનહાની પણ થઈ છે. આવા કિસ્સામાં હવે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા રાજ્યની સરકાર અને વહીવટી તંત્ર સામે બાથ ભીડતા જોવા મળે છે.
વિભાગે ઉતાવળે કરી કામગીરી
સોમનાથ જિલ્લા આયોજન અધિકારી દ્વારા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગને 26 જૂન 2024 ના દિવસે એક પત્ર પાઠવીને ધારાસભ્યના અનુદાનમાંથી બનતા વિકાસના કામો પર તેમના નામની સાથે ફોટો રાખી શકાય કે કેમ તે અંગેનું માર્ગદર્શન માગ્યું હતું. જે અન્વયે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો ખુલાસો કે માર્ગદર્શન જિલ્લા આયોજન કચેરીને મોકલવામાં આવ્યું નથી. તેમ છતાં જિલ્લા વહીવટી તંત્રએ ધારાસભ્ય વિમલ ચુડાસમાની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા વિકાસના કામોમાંથી તેમનો ફોટો દુર કરી નાખતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. ધારાસભ્ય દ્વારા આ મામલાને લઈને રાજ્યની વડી અદાલતમાં પણ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને પડકાર ફેંકવામાં આવી શકે છે. તેવી વિગતો પણ તેમના વકીલ કિરીટ સંઘવી દ્વારા ઈટીવી ભારતને આપવામાં આવી છે.
રાજ્ય સરકારે પરિપત્રમાં કર્યો છે સુધારો
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2002 સુધી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામોમાં તેમના નામની તક્તિ ન લગાડી શકાય તે પ્રકારનો અમલ 30-8-2022 સુધી અમલમાં હતો. ત્યારબાદ રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 07મી મે 2005 ના દિવસે ફરી એક નવો પરિપત્રક કરીને 30-8-2022 ના પરિપત્રમાં ફેરબદલ કરીને તેમાં ધારાસભ્યના નામની તક્તિનો ઉલ્લેખ કરવો તેવો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવ્યો છે, પરંતુ 2005 માં થયેલા આ પરિપત્રમાં પણ ધારાસભ્યનો ફોટો રાખો કે નહીં તેને લઈને કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન કે, સુધારો જાહેર કરાયો નથી. જેને લઈને સમગ્ર મામલો હાલ તુર પકડી રહ્યો છે.