કચ્છ: સરહદી વિસ્તાર કચ્છમાં દર વર્ષે અનેક યાયવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે. પક્ષીઓ માટે કચ્છનું વેરાન રણ એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે. દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો, ક્રેન, પેલિકન, સ્ટોર્ક ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે.
શા માટે પક્ષીઓ આવે છે કચ્છ?: પશ્ચિમ કચ્છ વન વિભાગના અધિકારી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થતિ કારણે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. કચ્છની વિવિધ પ્રકારની ઇકો સિસ્ટમની સાથે સાથે રણ, ડુંગર અને ઘાસિયા મેદાનો, વેટલેન્ડ અને કાંટાળા જંગલો આવેલા છે. તેમજ સૌથી મોટો દરિયાકાંઠો પણ આવેલો છે. ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ચેરિયાનો વિસ્તાર કચ્છમાં આવેલો છે.
આ બધા કારણો અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ માટે એક આશ્રયસ્થાન તરીકે કચ્છને વિશિષ્ટ બનાવે છે. ખાસ કરીને યાયાવર પક્ષીઓ સાઇબેરિયા તેમજ આસપાસના વિસ્તારમાં ખૂબ જ ઠંડી હોવાથી તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં ખાસ કરીને કચ્છમાં માઇગ્રેટરી પક્ષીઓ સેન્ટ્રલ એશિયન ફ્લાય વેનો કચ્છના એક પ્રવેશદ્વાર તરીકે પક્ષીઓ ઉપયોગ કરતા હોય છે.
વિવિધ જાતના વિદેશી પક્ષીઓનું આગમન: ડિસેમ્બર મહિનાથી કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતા વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થયું છે. ભુજના હદય સમાન હમીરસર તળાવ, છારીઢંઢમાં પણ ગ્રેટ વ્હાઇટ પેલિકન, બ્રાઉન પેલિકન, ડાલમેશિયન પેલિકન, પેઇન્ટેડ સ્ટોર્ક,ગ્રે હેરોન, લિટલ બ્લુ બગલા, ગ્રેટ ઇગ્રેટ, લિટલ ઇગ્રેટ,સ્પોટેડ વ્હીસ્ટલિંગ ડક, માર્બલ્ડ ડક, પ્લોવર, રેડ વોટલેડ લેપવિંગ, રેડ નેપ્ડ ઇબિસ, ગ્રેટર ફ્લેમિંગો, લેસર ફ્લેમિંગો, કોમન ક્રેન, ડેમોઇસેલ ક્રેન, વ્હાઇટ સ્ટોર્ક, બ્લેક સ્ટોર્ક, નોર્થન શોવલેર, નોર્થન પીન્ટેઇલ, યુરેશિયન ટીલ, ગાડવોલ, વિજન્સ, સ્ટેપ્પી ઇગલ, લાંબા પગવાળું બઝાર્ડ, ગ્રેટર સ્પોટેડ ઇગલ, કોમન કેસ્ટ્રેલ વગેરે જેવા પક્ષીઓ જોવા મળી રહ્યા છે.
વનવિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ: વિવિધ પ્રજાતિના પક્ષીઓ સ્થાનિક તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે. કચ્છની અંદર કુંજ પક્ષીઓ કે, જેનો લોકસાહિત્યમાં પણ ઉલ્લેખ છે. તે લાખોની સંખ્યામાં આવતા હોય છે, તેમજ પેલિકન પક્ષીઓ જેને ગુજરાતીમાં ગુલાબી પેણ કહેવામાં આવે છે. તેમની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે. કચ્છમાં આવેલ 'છારીઢંઢ' ગુજરાતનું એક માત્ર કંઝર્વેશન રિઝર્વ છે. જ્યાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે. જ્યાં હાલમાં 1 લાખ જેટલા કોમન ક્રેન આવેલા છે. વનવિભાગ દ્વારા આ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે.
યાયાવર પક્ષીઓની સાથે શિકારી પક્ષીઓ: કચ્છની અંદર જુદી જુદી જાતની વનસ્પતિઓ જોવા મળે છે, જેને આરોગવા માટે દર વર્ષે શિયાળાની ઋતુમાં રશિયા અને સાઉદી અરેબિયાથી વિવિધ જાતના પક્ષીઓ અહીં આવે છે. કચ્છની અંદર 150થી પણ વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે. આ યાયાવર પક્ષીઓની સાથે સાથે શિકારી પક્ષીઓ પણ કચ્છ આવે છે. તેમજ કાંઠાના પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. આ પક્ષીઓને પોતાના વતન જેવું જ ખોરાક અને વાતાવરણ કચ્છની અંદર મળે છે. જેથી દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન 3 માસ માટે તેઓ કચ્છની મુલાકાત લે છે.
આ પણ વાંચો: