બનાસકાંઠા: જિલ્લાના થરાદના સીધોતરા ગામે છેલ્લા દોઢ વર્ષથી શિક્ષિકા ગેરહાજર રહેતા બાળકોનું ભવિષ્ય અંધકારમય શિક્ષકા વિદેશ ગઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજી બાજુ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લાના નવ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે જેમાં બે વિદેશમાં ચાર વિશે શિક્ષણ વિભાગ ખુદ અજાણ હોય તેવું સામે આવ્યું છે. જ્યારે વાવની પાંચ પ્રાથમિક શાળામાં ત્રણ વર્ષથી જિલ્લા ફેર બદલી કરેલા શિક્ષકો હજુ હાજર જ થયા નથી જ્યારે દર માસે જિલ્લા અને રાજ્યકક્ષાએ સમીક્ષા થતી હોવા છતાં અધિકારીઓને ખબર જ નથી.
બનાસકાંઠામાં સતત ગેરહાજર રહેતા શિક્ષકોનો ઘટસ્પોટ બહાર આવ્યા બાદ અનેક ગેરહાજર શિક્ષિકોની કુંડળી બહાર આવી છે. થરાદના સીધોતરા ગામે પણ 1.5 વર્ષથી ઉષા બેન પટેલ નામની શિક્ષિકા ગેરહાજર છે. પ્રથમ 3 માસની મેડિકલ રજા મજુર કરાવીને વિદેશ ગયેલા મેડમ હજુ સુધી પરત ફર્યા નથી. પરિણામે બાળકોનું ભવિષ્ય અધકારમય બન્યું હતું. આચાર્ય અને ગામલોકોએ શિક્ષણ વિભાગને અનેક વાર રજૂઆત કરી હતી, પરિણામ શૂન્ય જ રહ્યું. છેવટે શાળામાં શિક્ષણની જ્યોત ઝલહલતી રહે અને બાળકોનું ભવિષ્ય ન બગડે એ માટે સ્થાનિકોએ ફાળો એકત્ર કરી પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરી છે. હાલ પણ મહેકમને લઈ શિક્ષકની ઘટ છે. શિક્ષિકા વિદેશ જતા એક વર્ષથી રાહ જોઈને થાકેલા વાલીઓમાં આક્રોશ છે. વાલીઓ માગ કરી રહ્યા છે કે, સરકાર અને શિક્ષણ વિભાગે જે કરવું હોય તે કરે અમને શિક્ષક આપો જેથી અમારા બાળકો ભણી શકે. વિદેશથી શિક્ષિકા પરત આવે યા અન્ય કોઈ બીજો શિક્ષક મુકો, બસ અમને તો અમારી શાળામાં શિક્ષણની જ્યોત ઝલહાલતી રહે એમાં જ રસ છે.
આ મામલે થરાદ તાલુકા શિક્ષણ અધિકારીનો ટેલીફોનિક સંપર્ક કરતા Etv ભારત સાથે જણાવ્યું હતું કે, શિક્ષિકા ગેરહાજર નથી રજા લઈને ગયેલા છે. એમાં 90 દિવસની રજા મંજૂર કરાવીને ગયેલા છે, પછી અનિશ્ચિતની કપાત રજા મૂકીને ગયા છે. જિલ્લા કક્ષાએ આની જાણ કરી છે. એમને પણ જાણ કરવાની છે અને આચાર્યએ જાણ કરાઇ છે કે તમારે સમય થઈ ગયો છે આવીને હાજર થઈ જાઓ એમ.
બનાસકાંઠાના નવ શિક્ષકોને સસ્પેન્ડ કરાયા..
જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કેટલાક શિક્ષકો એક વર્ષ કરતા વધુ સમયથી ગેરહાજર રહેતા તેમને તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા જરૂરી નોટિસ આપવામાં આવેલી હતી પરંતુ ખુલાસા આધારે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કચેરી ખાતે જુલાઈમાં દરખાસ્ત કરવામાં આવેલી ન હતી. શિક્ષકોને નોટિસો આપી ખુલાસાને આધીન નવ શિક્ષક એક વર્ષ કરતાં વધુ સમય બિનઅધિકૃત રીતે ગેરહાજર હતા. તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. 2016 ના ઠરાવ મુજબ નવ શિક્ષકોને ગેરહાજરીના દિવસથી એમને સસ્પેન્ડ કરવાના હુકમ કરવામાં આવ્યો છે.
કોને કોને સસ્પેન્ડ કરવામાં આવ્યા
1, વાવ તાલુકાના શિવમ પ્રાથમિક શાળાના શિક્ષિકા હસ્મિતાબેન ગોવિંદભાઈ ચૌધરી
2, દિયોદર તાલુકાના ગણેશપુરા શાળાના શિક્ષક પટેલ જગદીશ કુમાર કાળીદાસ
3, કાંકરેજ તાલુકાના આકોલી પગાર કેન્દ્ર શાળાના શિક્ષિકા પટેલ માલતીબેન હસમુખભાઈ
4, કાંકરેજ તાલુકાના વડા શેત્રવાસ શાળાના શિક્ષિકા સાહ સંગીતાબેન કિર્તીલાલ
5, ધાનેરા તાલુકાના હડતા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રદ્ધાબેન ભરતભાઈ પટેલ
6, ધાનેરા તાલુકાના ગોળા પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ શીતલબેન ઘનશ્યામભાઈ
7, દાતા તાલુકાના હડાદ પ્રાથમિક શાળાના શિક્ષિકા પટેલ સોહાબેન ભુપેન્દ્રભાઈ
8, દાતા તાલુકાના મગન વાસ પ્રાથમિક શાળાના શિક્ષક ચૌહાણ જયકુમાર કનૈયાલાલ
9, કાંકરેજ તાલુકાના તાતિયાણા શાળાના શિક્ષિકા પટેલ અનસુયાબેન રણછોડભાઈ
નવ શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે પણ દાંતાની પાન્સા પ્રાથમિક શાળાની શિક્ષિકાને એક વર્ષ પૂરું ન થતા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
વાવની પાંચ શાળાઓમાં જિલ્લા ફેર બદલી વાળા પાંચ શિક્ષકો હાજર થયા નથી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાની પાંચ શાળાઓમાં જિલ્લા ફેર બદલી થયેલા પાંચ શિક્ષકો હાજર થયા નથી. જેમાં બે શિક્ષકોને તો ત્રણ વર્ષ વિતી ગયા છતાં હાજર થતા નથી'ને જગ્યા ભરાયેલી ગણાતી હોઈ જગ્યા ભરાતી નથી. જેને લઇ બાળકોનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. જેમાં બે શિક્ષકોને ત્રણ વર્ષ થયા શું આ શિક્ષકોને હાલની જગ્યાએથી છૂટા કરવામાં આવતા નથી કે, આવવા માગતા નથી તેની તપાસ થશે ખરી?
જિલ્લા ફેર બદલીના ઓર્ડર થયેલા પાંચ શિક્ષકો
- 15/6/21 દ પીરાભાઈ નારાણાભાઈ દેસાઈ (કચ્છ) રાપરથી વાવની બરડવી પ્રા.શાળા
- 16/6/21 દિલીપભાઈ પ્રહલાદભાઈ ચૌધરી નર્મદાથી વાવની તખતપુરા (ઢીમા) પ્રા.શાળા
- 26/7/23 મહેશકુમાર સોમાભાઈ પટેલ દેવભૂમિ દ્વારકાથી વાવની ટડાવ પ્રા.શાળા
- 26/7/23 કમલેશભાઈ ભોપાભાઈ દોહટ કચ્છના માંડવીથી વાવની લોદ્રાણી પ્રા.શાળા
- 26/7/23 ભરતભાઈ માલાભાઈ ભેદરૂ દેવભૂમિ દ્વારકાથી વાવની ભડવેલ પ્રા.શાળા
અત્રે ઊલેખનીય છે કે, આ પાંચ શાળાઓમાં જિલ્લા ફેર બદલીના ઓર્ડર થયેલા હોઈ હાલ શાળામાં આમની જગ્યા ભરાયેલી ગણાય છે, પણ બાળકોને ભણાવવા માટે આમની જગ્યા ખાલી ગણાય જ્યાં સુધી આનો નિવેડો ના આવે ત્યાં સુધી આ પાંચ શિક્ષકોની જગ્યાએ બીજા શિક્ષકોની ભરતી પણ થતી નથી. તો કેટલા વર્ષ આમને આમ જગ્યા ભરાયેલી ગણાશે તે શાળાના બાળકોનું શું તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો શું જિલ્લા શિક્ષણ અધિકારી આની તપાસ કરાવશે કે શું, આ શિક્ષકોને હાલની જગ્યાએથી છૂટા કરવામાં આવતા નથી કે તેઓ આવવા માગતા નથી, આની તપાસ કરાવી સત્વરે આનો નિવેડો લાવે તે બાળકોના હિતમાં છે.