ભાવનગર : 5 સપ્ટેમ્બર, દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ, તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભાવનગરના મહિલા શિક્ષકે શાળા સિવાયના સમયમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે બીડું ઊંચક્યું છે, જેનો ફાયદો પણ તેમને મળ્યો છે. કોણ છે અલ્પાબેન જાની ચાલો જાણીએ...
BMC સંચાલિત શાળાઓમાં સ્કાઉટ ગાઈડની શરૂઆત : અલ્પાબેન જાનીએ જણાવ્યું હતું કે, હું 2004 થી નોકરીમાં લાગી અને કુલ 19 વર્ષ થયા છે. પહેલા હાદાનગરની સ્કૂલમાં હતી. 2016થી અહીંયા આવી છું. બાળકોને ધ્યાનમાં રાખીને કામ કર્યા છે. હાદાનગરમાં સ્કૂલમાં પણ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત રાજ્ય કક્ષાએ ત્રણ વખત જઈ આવી છું, પછી 2016 થી આ સ્કૂલમાં આવી અને અહીંયા મારું યોગદાન આપ્યું છે.
સર્વાંગી વિકાસ માટે સ્કાઉટ એન્ડ ગાઈડ : વધુમાં અલ્પાબેને જણાવ્યું હતું કે, સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ આ શાળામાં આવ્યા પછી શરૂ કરી છે. ભાવનગર કોર્પોરેશનની શાળામાં પ્રથમ વખત આ પ્રવૃત્તિને મારી શાળાએથી શરૂ કરી છે. સ્કાઉટ એન્ડ ગાઈડ છોકરા અને છોકરી બંને માટે વપરાય છે. હું ભાવનગર જિલ્લા ભારત સંઘની એક મિટિંગમાં ગઈ હતી. ત્યાંથી મને લાગ્યું કે સ્કાઉટ એન્ડ ગાઈડ મારી સ્કૂલમાં પણ થવી જોઈએ. શરૂઆતમાં તો મને પણ થોડી ઘણી તકલીફ પડી. આ પ્રવૃત્તિથી બાળકોનો સર્વાંગી વિકાસ અને ઘડતર થયું છે.
છ વિદ્યાર્થીઓનું રાજ્યપાલના હસ્તે સન્માન : આ ઉપરાંત ભાવનગર જિલ્લા ભારત સંઘ સાથે પણ શાળા જોડાયેલી છે. વિદ્યાર્થીઓ રાજ્ય પુરસ્કારની પરીક્ષા આપતા હોય છે. ગયા વર્ષે છ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. આ વર્ષે પણ છ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. વિદ્યાર્થીઓને માનનીય રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ ત્યાં સુધી જઈ શકતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે મારે કંઈક કરવું એ મને ગમે છે.
સ્વખર્ચે બનાવ્યો સામાજિક કોર્નર : આ ઉપરાંત ચિન્મય ભાવાશ્રમ અંતર્ગત ગીતા અધ્યાયના શ્લોકમાં શાળા પાંચેક વર્ષથી જોડાય છે. આ વખતે પાંચમો અધ્યાય છે, દર વર્ષે અલગ અલગ હોય છે. આ વખતે 1175 સરકારી સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો. અલ્પાબેનનો વિષય સામાજિક વિજ્ઞાન છે, એના અંતર્ગત સામાજિક વિજ્ઞાન કોર્નર પણ શાળામાં બનાવ્યો છે. જે વિદ્યાર્થીઓને વસ્તુ યાદ રાખી શકે અને બાળકોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની નાનપણથી તૈયારી થાય તે માટે સ્વખર્ચે 35 હજારનો સામાજિક કોર્નર બનાવ્યો છે.
શિક્ષિકાએ સહકાર માંગ્યો તો આચાર્ય શું કહ્યું... શાળાના આચાર્ય ભરતભાઈ પાલે જણાવ્યું કે, ખરેખર તો સરકારી શાળામાં શિક્ષકો શાળા સમય દરમિયાન કોઈપણ પ્રવૃત્તિ કરવા તૈયાર હોય, પણ શાળા પછી કામ કરવા તૈયાર હોતા નથી. અલ્પાબેન એવા શિક્ષક છે કે શાળા સમય સિવાય પણ બાળકો માટે સતત પ્રવૃત્તિ કરતા હોય છે. તેમણે મને વાત કરી કે મારે કોઈક પ્રવૃત્તિ કરવી છે, મને સહકાર આપો. મેં કહ્યું, સહકાર ન આપવાનો હોય, બિરદાવવાના હોય. ત્યારથી તેમણે સેવા ઉપાડી. અમારા શાળાના છ બાળકો રાજ્ય પુરસ્કાર માટે પસંદ થયા છે.