તાપીઃ ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશનના કમ્પાઉન્ડમાં દીપડો લટાર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં દક્ષિણ ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ એવા ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશનના કમ્પાઉન્ડમાં દીપડો વિચરતો જોવા મળી રહ્યો છે.
વન વિભાગને જાણ કરાઈઃ ઉકાઈનો હાઈડ્રો પાવર સ્ટેશનની આસપાસ જંગલ જેવો વિશાળ વિસ્તાર છે. જેના પરિણામે અવાર નવાર વન્ય જીવો અહીં વિચરતા જોવા મળે છે. આજે કમ્પાઉન્ડ માં દીપડો નજરે પડતાં ચકચાર મચી જવા પામી છે. ઉકાઈ હાઈડ્રો પાવર સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓમાં દીપડાને લીધે ભય ફેલાયો છે. દીપડો પાવર સ્ટેશન વિસ્તારમાં હોવાની ખબર પડતાં જ વન વિભાગને તાકીદે જાણ કરી દેવામાં આવી છે.
વન વિભાગે કવાયત શરુ કરીઃ વન વિભાગને આ ઘટનાની જાણ થતાં જ દીપડાને પકડવાની કામગીરી શરુ કરી દીધી છે. હાલ દીપડો જે વિસ્તારમાં ફરી રહ્યો છે ત્યાં અલગ અલગ જગ્યા પર પાંજરા મૂકી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સતત વન વિભાગના અધિકારીઓ દીપડાને પાંજરે પૂરવા પ્રયાસ કરી રહ્યા છે.
ઉકાઈ ડેમના હાઈડ્રો પાવર સ્ટેશનના કર્મચારી દીપક સોલંકી એ જણાવે છે કે, આજ રોજ 10 કલાકની આસપાસ દીપડો અહીં લટાર મારતો જોવા મળ્યો હતો. તાકીદે વન વિભાગને જાણ કરાતા ટીમ અહીં આવી પહોંચી હતી. અલગ અલગ જગ્યા પર પાંજરા ગોઠવવામાં આવ્યા છે. દીપડાને જોયા બાદ અહીંના લોકોમાં ડર વ્યાપી ગયો છે. દીપડાને વહેલી તકે પાંજરામાં પૂરવામાં આવે તેવી માંગ કરાઈ છે.