તાપી: તાપી જિલ્લા કલેકટરને ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં 2009 માં નિર્માણ પામેલા સુરતથી ધૂલિયા નેશલ હાઇવે નંબર 53માં જમીન ગુમાવનાર ખેડૂતોને વળતર ન મળતા કલેકટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા હતા.
હાઇકોર્ટના આદેશ છતાં વળતર ન ચૂકવ્યાનો આરોપ
આ કાર્યક્રમ દરમિયાન જાણકારી અપાઈ હતી કે, તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર-53 જે સુરતથી ધૂલિયાને જોડતો માર્ગ વર્ષ 2009માં નિર્માણ કરવામાં આવ્યો હતો. જેમાં નામદાર હાઇકોર્ટ દ્વારા સુધારો કરી વળતર ચૂકવવા આદેશ કર્યો હોવાના આક્ષેપ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વહેલી તકે સંપાદન થયેલ જમીનના ખેડૂત ખાતેદારોને વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત ખેડૂત ખાતેદારો પણ જોડાયા હતા.
વળતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની
તાપી જિલ્લો એ ખેતી પર નિર્ભર જિલ્લો છે. ત્યારે સંપાદન થયેલી જમીનનું લાંબો સમય વિતી જતા યોગ્ય વળતર ન મળતાં સંપાદન થયેલી જમીનના ખેડૂતોની હાલત કફોડી બની હોવાની રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોની માંગ છે કે, યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો બીજી જમીન લઈ અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવી શકાય. આ સાથે આવેદનમાં ખેડૂતો દ્વારા આત્મહત્યા કરવાનો વારો આવ્યો હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
'15 દિવસમાં માંગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરીશું'
જમીન સંપાદન થયેલ ખેડૂત ખાતેદાર મુકેશ ગામીતે જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે નંબર 53 સુરતથી-ધુલિયા હાઇવે જેની જમીન 2009 થી સંપાદન કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોને અત્યાર સુધી યોગ્ય વળતર આપવામાં આવતું નથી અને 23 ઓગસ્ટ 2023 ના રોજ ગુજરાત હાઇકોર્ટનો વ્યાજ સાથે વળતર ચૂકવવાનો ઓર્ડર હોવા છતાં તેમાં પણ નેશનલ હાઇવે અને કલેકટર કચેરી દ્વારા વિલંબ કરવામાં આવે છે અને જો અમારી માંગ 15 દિવસમાં સ્વીકારવામાં ન આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.
કોંગ્રેસના ધારાસભ્યના સરકાર સામે આક્ષેપ
કોંગ્રેસ પક્ષના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, 2009 થી અત્યાર સુધી ખેડૂતો ઘણીવાર કલેકટર કચેરી, પ્રાંત કચેરીએ આવે છે પણ યોગ્ય ઉત્તર મળ્યો નથી. આજે પણ કલેકટરે માત્ર હાઇકોર્ટનું બહાનું કર્યું છે. પરંતુ આ બંને પાંખ જે છે, તે સરકારની છે. સરકારની જ પાંખમાં કલેકટર કચેરી, પ્રાંત કચેરી, જમીન સંપાદન કચેરી આવે છે અને NH હાઇવેની કમિટી પણ એ સરકારમાં આવે છે. ત્યારે જમીન સંપાદન વખતે મોટી મોટી વાત કરતી સરકારના દલાલો, એજન્ટો આજે જ્યારે વળતર મળ્યું નથી. ત્યારે ક્યાં પણ મળે નઈ. પંદર દિવસમાં વળતર નહીં મળે તો આવનારા દિવસમાં ફરી પાછું આંદોલન કરીશું તેવું તેમને જણાવ્યું હતું.