મહેસાણા : ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં વડનગર ખાતે દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે સંગીતનો અનોખો મહોત્સવ "તાનારીરી મહોત્સવ" ઉજવવામાં આવે છે.
"તાનારીરી મહોત્સવ 2024" : વડનગરના તાનારીરી ગાર્ડન ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ તાનારીરી મહોત્સવ 2024 નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, વડનગર ખાતે વર્ષ 2003 થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તાનારીરી મહોત્સવની શરૂઆત કરાવી હતી. વડનગરના ગૌરવને પુનઃ સ્થાપિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી અનેક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે.
તાના રીરી બહેનોને સુરાંજલિ : તાના રીરી બહેનોને સુરાંજલિ અર્પવા માટે વડનગર ખાતે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ તાનારીરી મહોત્સવમાં કલાકારો ને રૂ. 2.50 લાખ, તામ્રપત્ર અને મોમેન્ટો આપી તાનારીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. વર્ષ 2010 થી અત્યાર સુધીમાં અનેક નામાંકિત કલાકારોને તાનારીરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
વડનગરનો સમુદ્ર ઇતિહાસ : મુળુભાઈ બેરાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ વિકાસની ગાથા ઇતિહાસના દસ્તાવેજી પાનાઓમાં સચવાય છે અને સદાય જીવંત રહી છે, આવી જ સંસ્કૃતિ વડનગરની રહી છે. આ વડનગરમાં હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ જેવા સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
સંગીત ક્ષેત્રના કલાકારોનું સન્માન : આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર આલોકકુમાર પાંડેએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહાનુભાવો, કલાકારો અને સ્થાનિક નાગરિકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નીરજ પરીખ, અમી પરીખ કુ. મૈથિલી ઠાકુર અને ઓસમાણ મીરને સન્માનિત કરવામાં આવ્યા હતા.. આ મહોત્સવમાં નીરજ એન્ડ અમી પરીખ ગ્રુપ, કુ. મૈથિલી ઠાકુર તેમજ જાણીતા લોકગાયક ઓસમાણ મીરે સુરો થકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.