કચ્છ: ભચાઉના 6 દારૂબંધીના કેસમાં વોન્ટેડ બૂટલેગર સાથે તાલુકાના ચોપડવા નજીક હાઇવે પર સફેદ રંગની થાર ગાડીમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિતા ચૌધરી જઈ રહી હતી. જે દરમિયાન પોલીસે બંનેને રોકતા થાર ગાડી પોલીસ પર ચડાવવાનો પ્રયત્ન કરી પોલીસ અધિકારીની હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં સીઆઇડી ક્રાઇમની મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. આ કારમાંથી દારૂની 18 જેટલી બોટલ પણ મળી આવી હતી. જેથી હત્યાના પ્રયાસ અને દારૂબંધી બન્ને કેસ અંગે બન્ને આરોપીના નામ નોંધવામાં આવ્યા હતા.
જામીન રદ્દ થતા થઈ હતી ફરાર: હત્યાના કેસમાં આરોપીઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરાતાં મહિલા પોલીસ કર્મચારીના જામીન મંજૂર કરાયા હતા. જે નિર્ણયનો અસ્વીકાર કરી પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેને પગલે સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી રદ્દ કરવામાં આવી હતી. જામીન રદ્દ થયા બાદ જ્યારે પોલીસ નીતા ચૌધરીની ધરપકડ કરવા તેના ઘરે ગયેલી ત્યારે નીતા ચૌધરી ફરાર જણાઈ આવી હતી.
એટીએસ દ્વારા ઝડપી પડાઈ: પૂર્વ કચ્છ પોલીસે તપાસનો દોર આગળ હાથ ધર્યો હતો. અને એક અઠવાડિયાથી ગાયબ સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારીને ગુજરાત એટીએસની ટીમે લીંબડી હાઇવે સર્કલ પાસેથી ગત રાતે ધરપકડ કરી લીધી હતી. નીતા ચૌધરી બુટલેગર યુવરાજસિંહના સગાને ત્યાં લીંબડી તાલુકાના નજીકના ગામમાં છુપાઈ હતી. એટીએસની ટીમ દ્વારા આજે આરોપી નીતા ચૌધરીનો કબ્જો ભચાઉ પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યાં તેને કોર્ટમાં રજૂ કરીને ગાંધીધામની ગળપાદર જેલ હવાલે કરવામાં આવી છે.