કચ્છ: ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 આરોપીઓ પોલીસની સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન ઝડપાયાં છે. બાતમીના આધારે પૂર્વ કચ્છ એસપીની સૂચનાના પગલે ગાંધીધામ A અને B ડિવિઝન પોલીસ, આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે દરોડા પાડ્યા હતા. જેમાં દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેલમાં દારૂની મહેફિલોના પગલે જેલ પ્રશાસન પર સવાલો ઉઠ્યા છે.
કેવી રીતે પોલીસને જાણ થઈ? ગાંધીધામ A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એ.એસ.આઈ રમેશભાઈ બાવલભાઈ મેણીયાએ ફરીયાદ નોંધાવી હતી કે, પૂર્વ કચ્છ એસપીની સુચનાથી ગાંધીધામ A ડિવિઝન અને B ડિવિઝન તથા અન્ય એજન્સીઓની ટીમ દ્વારા જેલની પુરૂષ યાર્ડ બેરેક નં-1 મા સરપ્રાઇઝ વીઝીટ કરી હતી. બેરેક નં.1 ની સરપ્રાઇઝ વીઝીટ કરતા બેરેકેમાં હાજર કેદીઓને યોગ્ય સ્થીતીમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને તેઓની વારફરતી ચકાસણી કરતા તેમજ તેમના સામાન ચેક કરતા 6 જેટલા લોકો કેફી પીણુ પીધેલ હાલતમાં મળી આવ્યા હતા.
6 લોકો જેલમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા: આ ઉપરાંત વધુ તપાસમાં એક બોટલમાં ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો, તેમજ એક મોબાઇલ મળી આવ્યો હતો. કેફીપીણુ પીધેલ આરોપીઓની શરીર સ્થિતિનું તથા મળી આવેલ ઇંગ્લીશ દારૂની બોટલ અને એક મોબાઇલ સંબંધે પંચનામું કરવામાં આવ્યું હતું. અને આ સૂચના પંચ-1 વિપુલ લક્ષમણભા ગઢવી તથા પંચ-2 દેવરાજ કલાભા ગઢવીએ જણાવ્યું હતું કે 6 કેદીઓએ કેફી પીણુ પીધું છે.
આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો: કેદીઓની વધુ પૂછપરછ દરમિયાન એક કેદીનું નામ પુછતા પોતે પોતાનુ નામ રોહીત ગરવા હોવાનુ તોતડાતી જીભે જણાવ્યું હતું. તથા કેદીની લાલધુમ આંખો જોતા તે નશાતળે જણાઈ આવેલ હતો. ઉપરાંત કેદીનું મોઢુ સુંધતા તેના મોઢામાંથી કેફીપીણુ પીધેલાની તીવ્રવાસ આવતી હતી. જે અંગેનું પંચનામું કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ નોંધવામાં આવી છે. બીજા 5 કેદીઓએ પણ કેફીપીણુ પીધેલ હોતા તેમની વિરૂધ્ધ પણ ફરીયાદ કરવામાં આવી છે. આરોપી વિરૂધ્ધ પ્રોહીબિશન કલમ-66(1)(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.
અનેક સવાલો: જેલમાં દારૂની બોટલ ક્યાંથી આવી?, અને જેલમાં 6 જેટલા કેદીઓ સાથે મળીને દારૂની મહેફિલ બિંદાસ થઈ કેવી રીતે માણી રહ્યા હતા? અને એક મોબાઈલ પણ મળી આવ્યો છે. ત્યારે આ તમામ વસ્તુઓ જેલના બેરેકમાં કંઈ રીતે પહોંચી? કોણે પહોંચાડી? પોલીસ પ્રશાસન ના બંદોબસ્તમાં ક્યાં કચાશ રહી ગઈ જેવા અનેક સવાલો ઉભા થયા છે જેનો જવાબ આગામી સમયમાં પૂર્વ કચ્છ એસપીના આદેશ મુજબની તપાસમાં ખોલવામાં આવશે.