સુરેન્દ્રનગર: જિલ્લાના લીંબડી તાલુકાના નટવરગઢ ગામના એક જ પરિવારના સભ્યો વચ્ચે બોલાચાલીમાં થયેલ ઝઘડામાં એ જ પરિવારના દિકરાનો ભોગ લેવાયો હતો. જેથી સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ હતી.
મારામારીએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સમગ્ર ઘટનામાં 2 લોકોને પણ ઇજાઓ પહોંચી હતી.
સગીરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા: સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડીના નટવરગઢ ગામમાં એક જ પરિવારના સભ્યો વચ્ચે બાળકને ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી. જેનું ખૂબ જ ગંભીર પરિણામ આવ્યું હતું. સગીરને સમજાવવા માટે જ્યારે યુવક આદર્શ અને તેના પિતા અને ગામના સરપંચ કરમશીભાઇ કાલિયાએ સગીરને ઠપકો આપવા જતા મામલો મારામારા સુધી પહોંચ્યો હતો. મૃતક યુવક આદર્શના કાકા સંજયભાઇના સગીર વયના દિકરાએ તીક્ષ્ણ હથિયાર વડે પિતા પુત્ર પર હિચકારો હુમલો કરી દીધો હોવાનો આરોપ સામે આવ્યો હતો.
![સુરેન્દ્રનગરમાં પિતા-પુત્ર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-12-2024/snr-yuvaknihtya_13122024140735_1312f_1734079055_664.jpg)
હુમલામાં 3 લોકો ઇજાગ્રસ્ત: હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને 108 મારફતે લીંબડી સરકારી દવાખાને ખસેડાયા હતા. પરંતુ હુમલામાં ઘાયલ 23 વર્ષીય આદર્શ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેને અને તેના પિતાને સી. યુ શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના પિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને મૃતક યુવકના કાકાના દિકરાની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો: