સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં આવેલા સુદામડા ગામે ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. જોકે આ મામલામાં તમામ અસરગ્રસ્તોને તુરંત સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પ્રારંભીક મળી રહેલી વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના આ ગામમાં રબારી સમાજનો એક કાર્યક્રમ હતો જેમાં આ ઘટના બની હતી.
સુરેન્દ્રનગરના સાયલા ખાતે આવેલા એક સુદામડા નામના ગામડે રબારી સમાજના માતાજીના માંડવાનો પ્રસંગ હતો. જેમાં ઘણા લોકોને ફૂડ પોઈઝનીંગની અસર થઈ છે. હાલમાં મળી રહેલી જાણકારી પ્રમાણે લોકો જ્યારે આ પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા ત્યારે છાસ પીધા પછી આ અસર થઈ હોવાનું તંત્ર પણ પ્રારંભીક રીતે માને છે. જોકે આ ઘટનામાં હવે આરોગ્ય વિભાગની ચાર ટીમ પણ અહીં દોડી આવી છે. કારણ એ છે કે અહીં 300 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. આટલી મોટી સંખ્યા હોવાને કારણે આરોગ્ય વિભાગ પણ હચમચી ગયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટનામાં 20થી 25 જેટલા લોકોને વધુ અસર થઈ છે જેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે. જોકે અન્ય જેટલા લોકો તબીયત બગડ્યાની ફરિયાદ સાથે આવ્યા હતા અને ઓછી અસર હતી તેમને જરૂરી દવાઓ આપીને ડિસ્ચાર્જ કર્યા છે. આરોગ્ય વિભાગની ચાર ટીમ, ચાર તબીબ સહિત મેડિકલ સ્ટાફ પણ અહીં દોડતો થઈ ગયો છે.
રબારી સમાજના આ પ્રસંગમાં બનેલી ઘટનાએ સહુને દોડતા કરી દીધા છે. હાલમાં જેટલા પણ લોકોની તબીયત બગડી રહી છે અને બગડી હતી તેમને સારવાર માટે પાંચથી વધારે એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેવું કોઈને તબીયત લથડે કે તુરંત તેમને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય તેવી વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ સુધી મળતા અહેવાલો પ્રમાણે તમામની હાલત સુધારા પર છે. આ ફુડ પોઈઝનિંગની ઘટનાની અસર નાના બાળકોને પણ પડી છે અને બાળકોને પણ સારવાર માટે અહીં હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.
બનાવની વિગત મળતા ડેપ્યુટી કલેક્ટર, લીંબડી તાલુકાના વિકાસ અધિકારી પણ સુદમડામાં હોસ્પિટલ પર પહોંચી ગયા છે. અહીં સાયલા તાલુકાના પીએચસી તેમજ સીએચસીનો સ્ટાફ સ્ટેન્ડબાય કરવામાં આવ્યો છે.