સુરત: સુરતના વીઆર મોલમાં ફરી એકવાર બોમ્બ ધમકી મળતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ગત 9 એપ્રિલ બાદ આ વર્ષે આ બીજી ઘટના છે. આજે રક્ષાબંધનના તહેવારના દિવસે મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. મળેલી ધમકીને લઇને સુરત શહેર પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે મોલમાં કંઈ હજુ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
થોડા દિવસ અગાઉ પણ આવી ધમકી મળી હતી
સુરતના VR મોલને ફરી એકવાર મેઈલથી ધમકી મળી છે. થોડા દિવસ અગાઉ પણ પીપલોદ રોડ ઉપર આવેલા વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈમેઈલ દ્વારા મળી હતી. જ્યારે આજે રક્ષાબંધનના તહેવાર પર ફરી એક વખત મોલને ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. એસઓજી અને પીસીબીની ટીમ સહિત અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ વીઆર મોલ ખાતે પહોંચી ગઈ હતી. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદ લેવાઈ રહી છે.
![સુરત પોલીસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-08-2024/gj-surat-rural05-mall-gj10065_19082024194926_1908f_1724077166_757.jpg)
ગઈ વખતની ધમકીવાળા 74 લોકેશનનો મેઈલમાં ઉલ્લેખ
ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે, ઇ-મેઇલ મળ્યો હતો જેમાં મોલમાં એક્સપ્લોઝિવ મુકી અને હુમલો કરવાની વિગત જણાવી હતી. તેણે 74 જગ્યાએ મેઇલ કર્યો હતો. અગાઉ જે મેઇલ આવ્યો હતો મોટાભાગે એ પ્રકારનો જ ઇ-મેઇલ છે. ઇ-મેઇલ મળ્યા પછી સુરત સિટીની બે ટીમો, નવસારી અને ગ્રામ્યની બીડીડીએસ ટીમ બોલાવવામાં આવી છે. આ ઉપરાંત એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચના લોકો અહીં તપાસ કરી રહ્યા છે. મોલ ખાલી કરાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
![સુરતનો મોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-08-2024/gj-surat-rural05-mall-gj10065_19082024194926_1908f_1724077166_918.jpg)