આઈટી એન્જિનિયર યુવાને વાર્ષિક રૂ.10 લાખ પેકેજની નોકરી છોડી શરૂ કરી પ્રાકૃતિક ખેતી - IT engineer started organic farming - IT ENGINEER STARTED ORGANIC FARMING
‘સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા...” સંસ્કૃતના આ જાણીતા મંત્રનો ભાવાર્થ સર્વ સુખી રહે, સર્વનું આરોગ્ય સ્વસ્થ રહે, સૌ રોગમુક્ત રહે એવો થાય છે. તંદુરસ્ત જીવન માટે પ્રાકૃત્તિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે. ત્યારે આજે વાત છે એવા સફળ પ્રાકૃત્તિક ખેતી કરતા ખેડૂતની, જેમણે આઈટી અન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કરી બેંગલોરમાં આઈટી કંપનીના વાર્ષિક રૂ.10 લાખ પેકેજની નોકરી છોડી પ્રાકૃત્તિક ખેતી અને પશુપાલનને અપનાવ્યા છે. તો આવો જાણીએ તેમની શૂન્યમાંથી સર્જન સુધીની સફળતાની કહાની...
Published : Jun 25, 2024, 7:24 PM IST
સુરત: વર્તમાન સમયમાં જ્યારે રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત જીવન માટે પ્રાકૃત્તિક ખેતી જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ રહ્યો છે. જેના તરફ પાછા વળવા માટે અને સાથે સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રાકૃત્તિક ખેતીને તેજ ગતિથી આગળ વધારી છે અને લાખો ખેડૂતોને આ ખેતીમાં જોડ્યા છે. જાગૃત્ત ખેડૂતોએ પ્રકૃત્તિની રક્ષા સાથે પ્રાકૃત્તિક ખેતીના મંડાણ કર્યા છે.
ધાર્યા કરતા બમણી સફળતા મેળવી: ત્યારે આજે વાત છે એવા સફળ પ્રાકૃત્તિક ખેતી કરતા ખેડૂતની, જેમણે આઈટી અન્જિનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કરી બેંગલોરમાં આઈટી કંપનીના વાર્ષિક રૂ.10 લાખ પેકેજની નોકરી છોડી પ્રાકૃત્તિક ખેતી અને પશુપાલનને અપનાવ્યા છે. અને ધાર્યા કરતા બમણી સફળતા મેળવી છે. માત્ર 31 વર્ષની વયે જ ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા યુવા પ્રગતિશીલ ખેડૂતનું સન્માન મેળવ્યું છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉટેવા ગામના આ યુવા ખેડૂત અનુભવી ખેડૂતોની બરોબરી કરી રહ્યો છે. નોકરીની શોધમાં રઝળપાટ કરતા અનેક યુવાનોને પણ નવી રાહ ચીંધી છે.
"ઝીરો બજેટ પ્રાકૃત્તિક ખેતી કરો" અને “સ્વસ્થ રહો”નો સંદેશ આદિવાસી બહુલ માંડવી તાલુકાના ગામડાઓમાં ગુંજતો કરનાર ઉટેવા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત વિકાસભાઈ હસમુખભાઈ ગામીત છ વિઘા જમીનમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ.10 લાખની આવક મેળવી રહ્યા છે. વિકાસભાઈ ખેતી સાથે પશુપાલન પણ કરી રહ્યા છે. તેઓ ગીર ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરી શુદ્ધ દેશી ઘીનું વેચાણ કરી વાર્ષિક રૂ.૩ લાખની વધારાની આવક મેળવી રહ્યા છે.
વાર્ષિક રૂ.10 લાખના પેકેજને નકાર્યું: વિકાસભાઈ જણાવે છે કે, ખેડૂતનો દિકરો હોવાથી નાનપણથી ખેતીમાં રસ રહ્યો છે, પરંતુ અભ્યાસમાં આગળ વધતા ખેતીના કામથી દૂર થયો હતો. વર્ષ 2012માં આઈટી અન્જિનિયરીંગનો અભ્યાસ પુર્ણ કરી એચસીએલ(HCL- Hindustan Computers Ltd) કંપનીમાં વર્ષ 2014 થી 2017 સુધી નોકરી કરી હતી. એ જ સમય દરમિયાન બેંગલુરૂની આઈટી કંપનીમાંથી વાર્ષિક રૂ.10 લાખના પેકેજ સાથે અન્ય એક નોકરીની ઓફર આવી હતી. ત્યારે વિચાર આવ્યો કે, પ્રકૃતિની વચ્ચે શુદ્ધ આબોહવામાં રહેવાનું છોડી શહેરમાં કોઈની નીચે રહી કામ કરી પોતાની આવક તો વધારી શકીશ, પરંતુ ખેતીમાં નાનપણમાં રહેલો રસ મુરઝાઈ જશે. ખૂબ મંથનના અંતે માતા-પિતાની સંમતિ મેળવી પ્રકૃતિ વચ્ચે, ગામડામાં રહી પ્રાકૃતિક ખેતી કરવાનો નિશ્ચય કરી માતા-પિતા સાથે ખેતીના કામમાં જોતરાઈ ગયો.
પ્રાકૃતિક ખેતીની શિબિરોમાં જવાનું શરૂ કર્યું: વિકાસભાઈએ જણાવ્યું કે, પિતા રાસાયણિક ખેતી કરતા હતા, એટલે જંતુનાશક દવાના છંટકાવ અને કેમિક્લયુક્ત ખાતરના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી હોવાનું જણાયું તેમજ અમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઈ રહી હોવાનું અનુભવ્યું. ઉપરાંત, રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી માટે જાગૃતિના પ્રયાસો પણ નજરે જોયા. જેથી રાસાયણિક ખેતીને સ્થાને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી કરવા માટે આગેકૂચ કરી. શરૂઆતમાં આજુબાજુના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીની શિબિરોમાં જવાનું શરૂ કરી ગહન અને વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું. આમાં ઓનલાઈન અને ઓફલાઈન વધુ અભ્યાસ કર્યો.
દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે વર્ષે રૂ.10,800 ની સહાય: પ્રાકૃત્તિક કૃષિમાં કરેલા પદાર્પણ અંગે તેમણે કહ્યું કે, વર્ષ 2019માં પ્રથમ વર્ષે જ 01 એકરમાં કિચનગાર્ડનમાં મિશ્ર શાકભાજીની ખેતી કરતાં મબલખ ઉત્પાદન મળ્યું હતું. ત્યારબાદ ધીરે ધીરે આગળ વધી હાલ છ વિઘામાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત એક વિઘામાં જંગલ મોડેલ ફાર્મ બનાવી ખેતરમાં ટામેટા, મકાઈ, ફણસી, બથુઆની ભાજી, તુવેર, લસણ, મરચા, કોબીજ, પપૈયા, પાલક, રાઈના પાક વર્ષ દરમિયાન લઉં છુ. જેમાં સારો અને ચોખ્ખો નફો મળી રહ્યો છે. ઉપરાંત, અન્ય પાંચ વિઘામાં ડાંગરની વિવિધ દેશી જાતો તથા ચોખા અને હલકા ધાન્ય જેવા કે, નાગલી, કોદરા, કંગની, મોરૈયો, ચીણો જેવા ધાન્ય અને અનાજ, કઠોળનો પાક લઈ રહ્યો છું. આત્માના અધિકારીઓએ મારા ખેતરે આવી પ્રાકૃત્તિક ખેતીને હજુ પણ ઉત્તમ બનાવવા માટે પદ્ધતિસરની સમજ અને માર્ગદર્શન આપ્યુ. દેશી ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે આત્મા દ્વારા મને દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે વર્ષે રૂ.10,800 ની સહાય સીધા મારા બેંક ખાતામાં જમા થઈ છે. આ સિવાય ખેડૂત મિત્ર તરીકે મહિને રૂ.1,000 પણ આપવામાં આવે છે.
છાશના વેચાણમાં વાર્ષિક રૂ.03 લાખની કમાણી: દેશી ગાય આધારિત ‘ઝીરો બજેટ પ્રાકૃત્તિક ખેતી’થી જમીનમાં સુક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે છે અને કાર્બન-નાઈટ્રોજનનો રેશિયો જળવાતાં જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે, જેથી જમીન બંજર થતા અટકે છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, મને પશુપાલન પ્રત્યે લગાવ હોવાથી પાંચ ગીર ગાય અને એક ભેંસનું પાલન કરી રહ્યો છું. ગીર ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરી ઘી બનાવી શુદ્ધ દેશી ઘી અને છાશનું વેચાણ કરી વાર્ષિક રૂ.03 લાખ કમાણી થઈ રહી છે.
સરકાર દ્વારા રૂ.60 હજારની સબસીડી મળી: સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના લોકો આર્થિક રીતે પગભર બન્યા છે. જંગલ મોડેલ આધારિત ખેતી કરતાં હોવાથી મોડેલ ફાર્મ બનાવવા માટે રૂ.13,500 સહાય પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, ખેતરમા પાકને સુનિયોજિત સિંચાઈ મળી રહે એ માટે રૂ.5.30 લાખના ખર્ચે સરકાર દ્વારા બોરીંગ કરી પાકા પ્લાસ્ટરનો કુવો બનાવી આપવામાં આવ્યો છે. તેમજ ખેતીના ઉપયોગ માટે રૂ.1.80 લાખના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા રૂ.60 હજાર સબસીડી પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ખેતરમાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે પણ સહાય પ્રાપ્ત થઈ છે.
અંતે વિકાસભાઈ કહે છે કે, દેશી ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતીથી ઓક્સિજન ભરપૂર માત્રામાં મળે છે, જમીન સુધરે છે, સ્વાસ્થ્ય સુધરે છે, સારૂ અનાજ મળે છે, ગૌમાતાની સેવા થાય છે, નહિવત ખર્ચ સામે આવક વધુ મળે છે. નજીવા ખર્ચમાં નફો માત્ર પ્રાકૃત્તિક ખેતી થકી જ શક્ય છે. સાથે દર વર્ષે વૃક્ષોના જતન પાછળ રૂ.10 હજારનો ખર્ચ કરી ગામ અને આસપાસના ખેતરોને વૃક્ષોથી લીલાછમ કરવાની નેમ હોવાનું તેઓ ઉમેરે છે.
આમ, આઈટી એન્જિનિયર વિકાસભાઈએ નવા નવા ઈનોવેશન વડે સફળતાપૂર્વક પ્રાકૃત્તિક ખેતી કરી “ઝીરો બજેટ ખેતી“ના સ્વપ્નને હકીકતમાં સાકાર કર્યુ છે. સાથે આસપાસના ગામોમાં પ્રાકૃત્તિક ખેતી કરવા માટે ખેડૂતોને માર્ગદર્શનની સાથે પ્રેરણા પણ આપી રહ્યા છે.