સુરત : રૂપિયા 35 લાખના MD ડ્રગ્સ કાંડમાં સુરત SOG પોલીસે વોન્ટેડ આરોપી રેહાનને કપ્લેથા ચેક પોસ્ટ પાસેથી પકડી પાડયો હતો. ભાજપના લઘુમતી નેતા જમીલ બિરયાનીના પુત્ર રેહાનના કોર્ટમાંથી ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે પૂછપરછ આદરી છે.
ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ : મળતી વિગતો પ્રમાણે સુરત પોલીસની SOG ટીમે ઉધના દરવાજા પાસે સાર કોર્પોરેટ નામની બિલ્ડિંગના સાતમા માળે ધી ગ્રાન્ડ વિલા ઈન હોટેલમાં દરોડા પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઉદેપુરના કોલેજિયન ચેતન શાહુને પકડી તેની પાસેથી રૂ. 35.49 લાખનું 354.910 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કબજે લીધું હતું. આ ડ્રગ્સ રાજસ્થાન-પ્રતાપગઢના જાવેદ પાસેથી લાવ્યો હોવાનું કબુલતા જાવેદને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ત્રણ આરોપીના નામ ખુલ્યા : બીજી તરફ ડ્રગ્સના આ કેસમાં નામચીન અશુ પંચશીલનગર, ઉમિયા માતાના મંદિર પાસે, ભાઠેના, હિંદુ યુવા વાહિનીનો નેતા બનીને ફરતો વિકાસ શંકર આહિર (રહે. ખટોદરા કોલોની, શાસ્ત્રીનગર) અને ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જમીલ બિરયાનીના પુત્ર રેહાન (રહે. પંચશીલનગર, ભાઠેના- મૂળ યુપી)ના નામ ખુલ્યા હતા. જે પૈકી અન્તુ અને વિકાસને પકડી લેવાયા હતા.
ભાજપ નેતાનો પુત્ર ઝડપાયો : આઈસક્રીમની લારીની આડમાં ડ્રગ્સનો વેપલો કરતા વિકાસના ઘરે તથા રીઢા ગુનેગારમાંથી પેડલર બનેલા અન્નુના ઘરે પોલીસે સર્ચ કર્યું હતું. સાથોસાથ વોન્ટેડ આરોપી રેહાનના ઘરે પણ પોલીસે તપાસ કરી હતી. દરમિયાન પખવાડિયાથી નાસતો-ફરતો રેહાન રિક્ષામાં સચિન નજીક કપલેઠા ચેકપોસ્ટથી સુરત આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી સુરત SOG પોલીસે વોચ ગોઠવી રેહાનને પકડી પાડયો હતો. હાલ પોલીસે રેહાનને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.
શું હતો મામલો ? પોલીસના જણાવ્યા પ્રમાણે 35 લાખના ડ્રગ્સ સાથે પકડાયેલો આરોપી ચેતન શાહુ ડ્રગ્સના મુખ્ય સપ્લાયર જાવેદના ઇશારે સુરતમાં ખેપ મારી ચૂક્યા હતા. ગ્રાન્ડ વિલા હોટલ પાસે જ તેણે 300 ગ્રામ એમડી ડ્રગની રેહાનને ડિલિવરી કરી હતી. ચેતન પાસેથી મોટો જથ્થો રેહાન જ ખરીદતો હતો. બીજી ખેપમાં રેહાન સેમ્પલ લઈ બીજા દિવસે માલ ખરીદવા આવવાનો જ હતો કે ચેતન પકડાઈ ગયો હતો. રેહાન ડ્રગ્સ કોણે-કોણે સપ્લાય કે વેચાણ કરતો હતો તે દિશામાં તપાસ કરી છે.