સુરતઃ પોતાના વાહન નંબરને પોતાની ઓળખ ગણાવતા શોખીનો મનપસંદ નંબર માટે લાખો રુપિયા પણ ખર્ચતા અચકાતા નથી. આ શોખીનોને લીધે આરટીઓને બખ્ખા થઈ જાય છે. સુરત આરટીઓને પણ છેલ્લા 3 વર્ષમાં મનપસંદ વાહન નંબરોના ઓકશનથી લાખો નહિ પરંતુ કરોડોમાં કુલ 36 કરોડની આવક થઈ છે.
મનપસંદ નંબર માટે રુ.9,85,000 ખર્ચ્યાઃ સુરતીઓએ મનપસંદ નંબર મેળવવા માટે છેલ્લા 3 વર્ષમાં 36 કરોડ ખર્ચ્યા છે. સુરતના એક કાર માલિકે પોતાની લક્ઝરીયસ કારના મનપસંદ નંબર માટે 9,85,000 ખર્ચ્યા છે. ટેક્સટાઈલ જમીન દલાલી ના વ્યવસાય સાથે સંકળાયેલા આ શોખીને પોતાના પુત્રની જીદ પૂરી કરવા માટે નંબર 0001 મેળવ્યો. આ નંબર માટે તેમણે 9,85,000 ચૂકવ્યા હતા. જ્યારે અન્ય એક કાર ચાલકે મનપસંદ નંબર 0009 માટે 3,50,000 ચૂકવ્યા હતા.
530થી વધુ વાહન ચાલકોએ હરાજીમાં ભાગ લીધોઃ સુરત આરટીઓ દ્વારા આ વર્ષે નવી પસંદગીનો નંબર લેવા માટે આવી સિરીઝ ખુલ્લી મુકાઈ હતી. સુરત શહેરમાં મોટી સંખ્યામાં કાર માલિકોએ ઓનલાઈન અરજી આરટીઓમાં કરી હતી. કુલ 530થી પણ વધુ વાહન ચાલકો દ્વારા ઓનલાઈન અરજી કરાઈ હતી. જેમાંથી 499 વાહનમાલિકોને નંબર મળ્યા હતા. આ બધામાં 0001 નંબર લેવા માટે BMWના માલિકે 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
કયા નંબર માટે કેટલી રકમ?: 0001 એટલે એક નંબર માટે રૂ.9,85,000 ચૂકવાયા હતા. આ ઉપરાંત નંબર 1111 માટે રૂ.4,17,000, આર ડબલ્યુ 1111 માટે લગભગ 4,00,000 અને 0009 માટે 3,50,000 લાખ અને 0099 માટે 3,15,000 જેટલી ચૂકવણી શોખીનોએ સુરત આરટીઓમાં કરી છે.
આરટીઓ એચ.એમ.પટેલે જણાવ્યું હતું કે,ઓનલાઈન ઓક્શનમાં થયેલ આવકમાં સુરત આરટીઓને વર્ષ 2021-22માં લગભગ 10કરોડ, વર્ષ 2022-23માં 13 કરોડ, કરંટ યર 2023-24માં અત્યાર સુધી આશરે 14.50 કરોડ સુધી આવક થાય તેવી સંભાવનાઓ છે. આ માટે ગોલ્ડન અને સિલ્વર નંબર માટેની પ્રક્રિયા છે. અમે અહીંથી જ્યારે કોઈ રી ઓક્સન જ્યારે કરીએ છીએ ત્યારે 7 દિવસ પહેલા પ્રેસનોટ આપીએ છે. એના પછી એપ્લિકેશનમાં ભાગ લીધા પછી એ 2 દિવસ માટે અમે બીડિંગનો સમયગાળો હોય છે. જેમાં સૌથી વધારે બીડિંગ કરેલ વ્યક્તિને મનપસંદ નંબર કમ્પ્યુટરાઈઝ્ડ અલોટ થાય છે.
સુરત આરટીઓમાં ફાળવાયેલ નંબર અને તેના માટે ચૂકવાયેલ રકમ | ||
ક્રમ | નંબર | રકમ |
01. | GJ-05-RV-0001 | 9,85,000 |
02. | GJ-05-RV-0009 | 3,50,000 |
03. | GJ-05-RV-0099 | 3,15,000 |
04. | GJ-05-RV-0007 | 40,000 |
05. | GJ-05-RV-1111 | 40,000 |
06. | GJ-05-RV-1234 | 40,000 |