સુરત : આજકાલ ઠગાઇના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હાલમાં જ ગુજરાતી ફિલ્મના કલાકાર હોવાની ઓળખ આપી જમીનમાં નકલી ડોક્યુમેન્ટ બનાવી 4.89 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજના કોલર સુધી પોલીસ પહોંચી ગઈ હતી. ડોક્ટર પરાગ પરીખ સાથે છેતરપિંડી કરનાર ભેજાબાજની હાલ ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડોક્ટર સાથે છેતરપિંડી : આ અંગે મળતી માહિતી અનુસાર ઉધના દરવાજા કોમ્યુનિટી હોલની સામે રૂસ્તમપુરા દિવાનજીની વાડી પાસે રહેતા વેપારી વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણી તેમજ હસમુખ ડાહ્યાભાઈ પટેલે (રહે. ભંડારી વાડ, રૂસ્તમપુરા, સુરત) સાથે મળીને રૂસ્તમપુરામાં જ રહેતા ડો. પરાગ ભાનુપ્રસાદ પરીખને વર્ષ 2014 માં મગદલ્લા ગામમાં આવેલ ટીપી સ્કીમ નં. 7, ફાઇનલ પ્લોટ નં. 112 વાળી જમીન વેચવા માટે કહ્યું હતું.
જમીનના નામે રૂપિયા પડાવ્યા : વિપુલ અને હસમુખ બંને ડો. પરાગને ડુમસ રોડ સ્થિત સિટી પ્લસ સિનેમા પાસેની જગ્યા બતાવીને વેચવા માટે કહ્યું હતું. સોદો નક્કી થયા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના પૂર્વ વાઇસ ચાન્સેલર ભાનુપ્રસાદ પરીખે પોતાના પુત્રના કહેવાથી રૂ. 11 લાખ બાના પેટે આપ્યા અને એક સમજૂતીનો કરાર બનાવી મોટી માતબર રકમ લીધી હતી. આરોપીએ ડો. પરાગને કહ્યું કે, આ જગ્યા જીગ્નેશ પટેલ અને વિનય મર્ચન્ટની છે, અને તે જમીન વેચવા માંગે છે. તપાસ કરતા આ જગ્યા અન્ય કોઈની માલિકીની હતી. અને તે ટાઇટલ ક્લીયર પણ ન હતી.
4.89 કરોડની છેતરપિંડી : તમામ રૂપિયા ચૂકવ્યા અંગેનો એક સમજૂતીનો કરાર લખીને દસ્તાવેજ કરી આપવાનું નક્કી થયું હતું. જોકે, વિપુલ અને હસમુખે દસ્તાવેજ કર્યા નહીં અને ડોક્ટરના રૂપિયા પરત પણ આપ્યા ન હતા. આ ઉપરાંત ડો. પરાગે કલેક્ટર કચેરીમાં તપાસ કરતા તેમાં વિપુલ આણી મંડળીએ કલેક્ટરનો ખોટો હુકમ બનાવી ખેતી લાયક જગ્યાને બિનખેતીલાયક દર્શાવી હતી. સાથે જ તેના માલિકો પણ બોગસ દર્શાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ અંગે ડો. પરાગે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ અરજી કરી હતી.
આરોપીને પોલીસે દબોચ્યો : આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે બંટી અને હસમુખ પટેલની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ડોક્ટર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના અનુસંધાને તપાસ બાદ ઇકોનોમિક ઓફેન્સ સેલે વિપુલ ઉર્ફે બંટી નાથુભાઈ ટેણીની ધરપકડ કરી છે. જેણે પોતે ગુજરાતી ફિલ્મમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે આ ટોળકીએ અન્ય કયા લોકો સાથે છેતરપિંડી કરી છે, તે અંગેની તપાસ હાથ ધરાઈ છે.