સુરત : દેશ સહિત રાજ્યમાં મોટાપાયે ડાયમંડનું ઉત્પાદન સુરત સિટીમાં થાય છે. એટલે સુરત સિટીને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે હાલ આ ડાયમંડ સિટીને કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
મંદી પર છેતરપિંડીનો માર : હાલ ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. એકબાજુ મંદી અને બીજી બાજુ વધી રહેલા છેતરપિંડીના બનાવોને લઈને હીરા વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. હીરા વેપારીઓ છેતરપિંડીનો ભોગ બનતા અટકે તે માટે હવે પોલીસ વિભાગ આગળ આવ્યું છે. સુરત શહેરના મહિધરપુરા હીરા બજારમાં પોલીસ વિભાગે હીરા વેપારીઓને ભેગા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સુરત પોલીસની પહેલ : શહેરમાં છેતરપિંડીની ફરિયાદો વધતા આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસ કમિશનર ગેહલોતે મહિધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરને સ્થળ પર જઈ વેપારીઓને સમજાવવા માટે જણાવ્યું હતું. આ મામલે પાંચ હજાર જેટલા વેપારીઓ સાથે મહિધરપુરા હીરાબજારમાં રસ્તા પર જ PI એચ. એમ. ચૌહાણે માત્ર વિશ્વાસ પર અને કાગળની ચિઠ્ઠી પર ચાલતો આ ધંધો સાવચેતીથી કરવા માટે જણાવ્યું હતું.
હીરા વેપારીઓને ખાસ સૂચન : PI એચ. એમ. ચૌહાણે જણાવ્યું કે, છેલ્લા વીસ દિવસમાં 50 કરતા વધારે છેતરપિંડીની ફરિયાદો આવી છે. હાલ જ્યારે હીરા ઉદ્યોગ મહા મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે વેપારીઓને તમામ વ્યવહાર ખૂબ સાવચેતી કરે તે ખૂબ જ જરૂરી છે. હાલ મુંબઈ અને શહેર બહારથી ઠગો ઠગાઈ કરે એ પહેલા તમામ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.
વેપારી માટે જાગૃતિ અભિયાન : હીરા બજારમાં લે ભાગું વેપારીઓ ઉઠમણા કરતા હોય છે. ત્યારે પોલીસ વિભાગે હીરા વેપારીઓમાં અવેર્નેસ માટે અભિયાન શરૂ કર્યું છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા બજારમાં માઈક વડે સૂચના આપવામાં આવી હતી. આ સાથે મહિધરપુરા વિસ્તારમાં લાગેલા સ્પીકરમાં પણ સૂચનાઓ આપવામાં આવી હતી. હાલ હીરા બજારમાં મંદીનો માહોલ છે. લેભાગુઓ સક્રિય થઈ જાય છે.