સુરત : અડાજણ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનો ધંધો કરતા માથાભારે બુટલેગરોને ધંધામાં અડચણરૂપ બનતા હોવાની શંકા રાખીને એક પરિવાર પર જાહેરમાં ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. આ શ્રમિક પરિવાર પર કરાયેલા હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દરમિયાન અડાજણ પોલીસે માથાભારે બુટલેગર બંધુઓ ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢીને પરિવારની માફી મંગાવી હતી.
માથાભારે તત્વોની દાદાગીરી : અડાજણ વિસ્તારમાં આવેલા સનનિવાસ એપાર્ટમેન્ટમાં રહેતા ભોલા સુરેન્દ્રરામ ઓટો ગેરેજમાં કામ કરીને પરિવાર સાથે ગુજરાન ચલાવે છે. ભોલાની માતા પોતાના રૂમની બારી ખોલીને બહાર નજર કરતા હતા. આ દરમિયાન એપાર્ટમેન્ટની નીચે દેશી-વિદેશી દારૂનો ધંધો કરતા કેટલાક લોકોની નજર તેમના પર પડી. આ લોકોએ અમારી સામે કેમ જોવો છો, એમ કહીને બીભત્સ ગાળો આપી હતી.
જાહેરમાં જીવલેણ હુમલો : અહીં ન અટકાયત બુટલેગરોએ ભોલા અને તેની માતા સહિત પરિવાર ઉપર ખુલ્લેઆમ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમાં ભોલાને ગંભીર ઈજા પહોંચી હતી. ગત 23 જુલાઈના રોજ સાંજે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ખુલ્લેઆમ ગુંડાગીરી કરતા લોકોની હરકતથી પોલીસની આબરૂના ધજાગરા થયા હોય તેવું લાગ્યું હતું.
પોલીસે કાયદાનું ભાન કરાવ્યું : અંતે અડાજણ પોલીસે રીઢા ગુનેગારોને દબોચ્યા હતા. જેમાં વિશાલ ઉર્ફે ગોટુ રાકેશ શિંદે અને ચિરાગ ઉર્ફે બાબુ રાકેશ શિંદે ઝડપાયા હતા. ઉપરાંત પોલીસે બુટલેગર બંધુઓનું જાહેરમાં સરઘસ કાઢીને હુમલાનો ભોગ બનેલા પરિવારની માફી મંગાવી હતી. આમ માથાભારે શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું હતું. પકડાયેલા બંને રીઢા બુટલેગરો સામે અડાજણ અને રાંદેર પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયેલા છે.