સુરતઃ હજીરા ખાતે આવેલ એલ એન્ડ ટી કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નિલાંજન ચક્રબોરતી દ્વારા હજીરા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, કંપનીમાંથી સ્ટીલના પાઈપની ચોરી થઈ છે. જેની કિંમત 5.87 કરોડ રૂપિયા છે. આ ચોરીમાં સામેલ ત્રણ આરોપીની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર હતો. પોલીસને બાતમી મળી હતી કે, આ ચોરીના બનાવમાં સામેલ સૂત્રધાર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં છે. આ આરોપીઓની ધરપકડ કરવા માટે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની બે અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે ઉત્તરપ્રદેશ તથા ઉતરાખંડ ખાતે મોકલવામાં આવી હતી.
આ રીતે મળ્યો કાવડયાત્રી બનવાનો આઈડિયાઃ આરોપીઓને શંકા ન જાય આ માટે કાવડયાત્રી બન્યા બંને આરોપીઓ પર વોચ રાખવા માટે હજીરા પોલીસ મથકના કર્મચારીઓ કાવડયાત્રી બન્યા હતા. કારણ કે, આ બંને આરોપી જે જગ્યાએ છુપાયેલા હતા ત્યાં વોચ રાખતી વેળાએ તેઓ તેમની નજરમાં આવી શકતા હતા અને આ બંને આરોપી જે જગ્યાએ રોકાયા હતા ત્યાંથી કાવડયાત્રીઓ પસાર થતા હતા. જેથી પોલીસની બંને ટીમને લાગ્યું કે, કાવડયાત્રી બનીને આ બંને આરોપીઓ ઉપર વોચ રાખી શકાય અને તેમને કોઈ શંકા પણ જશે નહીં. આમ શાર્પ ઓબ્ઝર્વેશન સાથે કાવડયાત્રી બની આરોપીઓને ઝડપી શકાશે તેવો આઈડિયા મળ્યો અને તેને અખત્યાર કરતા સફળતા પણ મળી.
અગાઉ ત્રણ આરોપીની ધરપકડ: હજીરા પોલીસે હજીરા વિસ્તાર ખાતે આવેલા એલ એન્ડ ટી કંપનીમાં સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી કરતા હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ માસ્ટરમાઈન્ડને વોન્ટેડ જાહેર કરાયા હતા. આ ટોળકીએ એલ એન્ડ ટીથી 5 ડિસેમ્બર 2023થી લઈ 6 જૂન 2024 દરમિયાન હજીરા એલ એન્ડ ટી કંપનીના SFU-C યાર્ડમાં રાખવામાં આવેલ 300 NBના એસએસની પાઇપ 99 તથા 400 NBના એસએસની પાઇપ કુલ 1072ની ચોરી કરી હતી. જેની કુલ કિંમત 5.87 કરોડ રૂપિયા હતી. જેમાં પોલીસે અગાઉ અશોક પટણી, નૂરઅલ્લા ખાનની ધરપકડ કરી હતી. આ આરોપીઓ કંપનીના સ્ટોર મેનેજર વિવેક મિશ્રા સાથે મળીને કરોડો રૂપિયાની પાઇપ સગેવગે કરતા હતા. પાઇપના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ વેચવામાં આવી હતી.