સુરત: પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સીટી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ડ્રગ્સનો વેપલો કરતા અને ડ્રગ્સની હેરાફેરી કરતા પેડલરોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક વખત એમ.ડી.ડ્રગ્સ સાથે 3 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. એલસીબી ઝોન-4 ની ટીમે ખટોદરા સ્થિત જૂની સબ જેલ પાસે વોચ ગોઠવી હતી જેમાં આ નશાના સૌદાગરો ઝડપાઈ ગયા હતાં.
મોપેડ પર ડ્રગ્સ લઈ જઈ રહ્યા હતા: મોપેડ પર જતા આરોપી 23 વર્ષિય તોસીફ ખાન યુનુસખાન બિસ્મિલ્લાહખાન અને 36 વર્ષિય અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ શેખ ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પાસેથી 14,300 રૂપિયાની કિમતનું 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ રોકડા રૂપિયા અને મોપેડ મળી કુલ 1.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં આરોપીઓ ડ્રગ્સ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.
મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યુ: એસીપી ઝેડ.આર.દેખાઈએ જણાવ્યું હતું કે, સુરતમાં ખટોદરા પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી હતી અને આરોપી મોહમદ ચાંદ મોહમદ આબિદ શેખને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 2.37 લાખની કિંમતનું 36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ, રોકડા રૂપિયા મળી કુલ 87હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. આમ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કુલ મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.