સુરત : સુરત શહેર અને જિલ્લામાં હવે માત્ર બાળકીઓ જ નહીં પરંતુ બાળકો પણ અસુરક્ષિત થઈ ગયા છે. પાંડેસરા વિસ્તારમાં 12 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની ઘટના સામે આવી છે. ધુળેટીના દિવસે સાંજે બાળક સાથે અપરાધ કરનાર આરોપીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી બેરોજગાર છે અને બાળકને સાયકલ ચલાવવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો.
બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય : સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 12 વર્ષના બાળકને કાતર જેવી વસ્તુ બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી અમિત પાંડે બેરોજગાર છે. પીડિત બાળકને આરોપી સાયકલ ચલાવવાની લાલચ આપી પોતાની સાથે કમ્યુનિટી હોલ નજીક આવેલા અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેણે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ સમગ્ર મામલે પીડિત બાળકે પોતાના માતા-પિતાને જાણ કરી ત્યારે પિતાએ પાંડેસરા પોલીસ મથકમાં આરોપી અમિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
નરાધમ આરોપીની ધરપકડ : આ સમગ્ર મામલે ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, પાંડેસરા હાઉસિંગ સોસાયટી નજીક કોમ્યુનિટી હોલ આવેલ છે. તે હોલની બાજુમાં એક અવાવરુ જગ્યા છે, જ્યાં અમિત કૈલાશ પાંડે નામનો ઈસમ બાર વર્ષના બાળકને પોતાના મોપેડ પર બેસાડીને લઈ આવ્યો હતો. એ જ જગ્યા પર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. જેની જાણ બાળકના પિતાને થતા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સાયકલ ચલાવવાની લાલચ આપી : ACP ઝેડ. આર. દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે કોઈ ચોક્કસ નોકરી નથી કરતો. બાળકને સાઇકલ ચલાવવાની લાલચ આપીને તે પોતાની કોમ્યુનિટી હોલની બાજુમાં આવેલ અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. આરોપીએ બાળકને કાતર જેવું હથિયાર બનાવીને ડરાવી ધમકાવીને આ કૃત્ય કર્યું હતું.