સુરતઃ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો અને 17 વર્ષીય પાર્થ શાહ નામક વિદ્યાર્થી અકસ્માતમાં બ્રેનડેડ થયો હતો. પાર્થના અંગોનું દાન કરવાનો પરિવારજનોએ નિર્ણય લીધો છે. આ અંગદાનને પરિણામે અન્ય 4 દર્દીઓને નવજીવન મળશે. પાર્થ શાહના પરિવારે અંગદાનનો નિર્ણય લઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.
માર્ગ અકસ્માતમાં બ્રેનડેડઃ રાયન ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો પાર્થ શાહ વહેલી સવારે કેમેસ્ટ્રી વિષયની પ્રી બોર્ડ પરીક્ષા આપવા જતો હતો. પીપલોદ-ડુમસ રોડ પર વાય જંકશન પાસે કારે પાર્થને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાર્થને ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે ફરજ પરના ડૉક્ટરે પાર્થને બ્રેનડેડ જાહેર કર્યો હતો.
પરિવાર અંગદાનથી અવેર હતોઃ પાર્થના પરિવારને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અંગદાન માટે અપીલ કરવા પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે પાર્થનો પરિવાર પહેલેથી જ અંગદાન માટે તૈયાર હતો. પાર્થના પિતા પરશુરામ શાહના મિત્રનું બ્રેનડેડ થતા અંગદાન કરવામાં આવ્યું હતું. બસ ત્યારથી જ પાર્થના પિતા અંગદાનથી અને તેનાથી દર્દીઓને મળતા નવજીવન અંગે વાકેફ હતા. સમય વેડફ્યા વિના પાર્થના પરિવારે સત્વરે અંગદાનનો નિર્ણય લઈ લીધો. પાર્થના પરિવારમાં રેલવે કોમર્શિયલ વિભાગમાં કામ કરતા પિતા, માતા અને અન્ય 1 બહેન છે.
4 દર્દીઓને નવજીવનઃ પાર્થના હૃદય, લીવર અને બંને કિડનીનું દાન કરાયું છે. હૃદય અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલને અને લીવર તેમજ કીડનીનું દાન અમદાવાદની IKDRC હોસ્પિટલને કરવામાં આવ્યું છે. પાર્થના અંગદાનથી 4 વ્યક્તિને નવજીવન મળશે.
સદગત પાર્થના પરિવારને અમારી સંસ્થાની ટીમ અંગદાનનું મહત્ત્વ જણાવવામાં આવ્યું હતું. જો કે પાર્થનો પરિવાર પહેલેથી જ અંગદાનથી અવેર હતો. સમય વેડફ્યા વિના પાર્થના પરિવારે સત્વરે અંગદાનનો નિર્ણય લઈ લીધો. પાર્થના હૃદય, લીવર અને બંને કિડનીનું દાન કરાયું છે. આ અંગદાનથી 4 વ્યક્તિને નવજીવન મળશે...વિપુલ તલાવિયા(સભ્ય, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન)