સુરત : અરેઠ ગામમાં સ્ટોન ક્વોરી વિરોધનો મુદ્દો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા રહેલી છે.અરેઠ ગામે પાંચથી વધુ ક્વોરી ચાલી રહી છે. આ ક્વોરીમાં થતું બ્લાસ્ટિંગને લઈ ગામના ઘરોને મોટુંનું નુકસાન થઈ રહ્યું છે. રોજ ત્રણથી ચાર વાર વેગન બ્લાસ્ટિંગના કારણે ગ્રામજનો ભૂકંપ જેવા આંચકા અનુભવી રહ્યા છે.
લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવા ચીમકી : વિસ્ફોટોને જેને લઈ ગ્રામજનોના ઘરોમાં તિરાડ પડી રહી છે સાથોસાથ ભૂગર્ભ જળસપાટી પણ નીચી ગઈ છે. ઘરોના મોટા નુકસાન સાથે ખેતી માટે પાણી મળવું કપરું બન્યું છે. આ મુદ્દે હજી ગ્રામજનોને તપાસ સમિતિનો લોલિપોપ આપ્યો છે. ત્યારે જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણીની બહિષ્કારની તૈયારી કરી લીધી છે.ત્યારે સામાજિક વિભાગના પ્રધાન કુંવરજી હળપતિએ સમસ્યાનું નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું છે.
ગ્રામજનો અને કવોરી સંચાલકો સાથે મિટિંગ કરી છે. અરેઠના ગ્રામજનોની રજૂઆત આધારે જે મૂંઝવતા પ્રશ્નો છે, જેની સમિતિ બનાવી ચકાસણી કરવામાં આવશે. અને આ પ્રશ્નનો સુખદ નિકાલ લાવીશું...કુંવરજી હળપતિ, ( પ્રધાન, સામાજિક વિભાગ )
સ્થાનિકોનો ઉગ્ર વિરોધ : ગામના અરુણાબેન ચૌધરીએ જણાવ્યુ હતું કે, અમે બધી રીતની લડત લડી ચૂક્યા છે. અમારા હકમાં નિર્ણય નહીં આવે તો આગામી લોક્સભાની ચૂંટણી બહિષ્કાર કરશું. ટીનાબેન ચૌધરીએ જણાવ્યુ હતું કે, નુકસાન સામે નેતાઓ પણ મૌન છે. યોગ્ય નિર્ણયની રાહ જોઈશું. ક્વોરી બંધ થવી જ જોઈએ નહીં થાય તો અમારે ચૂંટણીનો વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. અમારા ગ્રામજનો તરફી નિર્ણય લેવામાં આવશે તો અમે હોંશે હોંશે આગામી ચૂંટણીમાં મતદાન કરીશું.