સુરતઃ પલસાણા તાલુકાના કડોદરા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારના વરેલી ખાતેથી પોલીસે દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કારતૂસ સાથે સુરત જિલ્લા એસઓજીની ટીમે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 10,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
ખાનગી બાતમીઃ સુરત જિલ્લા એસઓજીની ટીમ રવિવારના રોજ કડોદરા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, વરેલી વિસ્તારમાં આવેલ વિધાતા સિન્થેટીકસ પ્રા. લી. કંપનીની બહાર જામિની તરફ રોડ પર આવેલ રમેશની ચા-નાસ્તાની લારીવાળા કાળા રંગની તાડપત્રીવાળા શેડની અંદર ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો કટ્ટો(પિસ્ટલ-તમંચો) સંતાડી રાખેલ છે. આ બાતમીના આધારે કરેલ કામગીરીમાં સદર સ્થળેથી એક તમંચો અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
ષડયંત્રઃ ચાની લારી ચલાવતા રમેશે જણાવ્યું હતું કે, આ તમંચો અને કારતૂસ કોઈ મૂકી ગયું હશે. પોલીસે વધુ પૂછપરછ કરતાં તેને જણાવ્યુ હતું કે, સાડા ત્રણ વર્ષ પહેલા મનોજ ચાની લારી હતી. તે હટી જતાં આ જગ્યા પર મેં ચાની લારી ચાલું કરતાં મનોજ અને તેનો ભાઈ બલીરામ સાથે વારંવાર ઝઘડો થતો હતો. 6 માસ પૂર્વે બલીરામે દુકાને આવી ફસાવી દેવાની વાત કરી હતી. આથી પોલીસે બલીરામની પૂછપરછ કરતાં તેણે જ તમંચો મૂક્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.
તમંચો આપનાર વોન્ટેડઃ પોલીસે બલીરામ ઉર્ફે બલરામ બચ્ચા કાનુ(ઉ.વ.28 રહે વરેલીગામ, શગુન સોસાયટી, તા. પલસાણા, જી.સુરત, મૂળ રહે દેવરિયા, ઉત્તરપ્રદેશ)ની અટક કરી તેને હથિયાર આપનાર વિક્કુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે તેની પાસેથી તમંચો અને જીવતા કારતૂસ મળી 10,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.