સુરતઃ "જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો..." અને "વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ..." આ બંને ઉક્તિઓને સુરતના વિધવા આયેશા શાહે સાકાર કરી છે. આયેશા શાહે 2100થી વધુ વિધવાઓને સરકારી યોજનાના લાભો વિનામૂલ્યે અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ વિધવાઓના જીવનમાં ઉજાસ પાથરનારા આયેશા શાહ સાચા અર્થમાં મહિલા મસીહા છે.
ફોર્મ ભરવાની પળોજણમાં સહાયકઃ સુરતના અતિ પછાત વિસ્તારમાં રહેતી, અશિક્ષિત, અસહાય વિધવાઓને સરકારી યોજનાઓના લાભો લેવામાં સૌથી મોટી સમસ્યા વિવિધ ફોર્મ ભરવામાં થતી હતી. વિધવા પેન્શન યોજનાનો લાભ લેવામાં આ વિધવાઓને અડચણ થતી હતી. અહીં આયેશા શાહ આગળ આવ્યા. તેમણે અભણ વિધવાઓને પેન્શન યોજનાના ફોર્મ ભરવાથી લઈ આ બહેનાના એકાઉન્ટમાં પૈસા જમા થાય ત્યાં સુધી ક્યાંય પણ અડચણ ના આવે તેની મદદ કરી છે. તેઓ અત્યાર સુધી 2100થી વધુ વિધવાઓને સરકારી યોજનાઓના લાભ અપાવીને મહિલા મસીહા સાબિત થયા છે.
આયશા આપા...ધી હોપઃ આયેશા શાહ છેલ્લા 14 વર્ષથી ગરીબ, અભણ અને નિઃસહાય મહિલાઓને જેમાં ખાસ કરીને લઘુમતી સમાજની મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ અપાવવા કાર્યરત છે. તેઓ સુરતની 2100થી વધુ વિધવાઓની આયશા આપા છે. આયશા આપાએ મહિલાઓને વિધવા પેન્શન, આયુષ્યમાન કાર્ડ, સગર્ભા યોજનામાં પૌષ્ટિક આહાર વગેરે સરકારી યોજનાઓના લાભ અપાવ્યા છે.
અપાર સંઘર્ષ વેઠ્યોઃ 2100થી વધુ વિધવાઓને મદદરુપ થનાર આયશા શાહે પોતે અપાર સંઘર્ષ વેઠ્યો છે. આ સંઘર્ષ અન્ય મહિલાઓ ખાસ કરીને વિધવાઓને ન વેઠવો પડે તે માટે તેમણે આ સેવાનો ભેખ ધારણ કર્યો છે. આયશા શાહ જણાવે છે કે, મારા લગ્ન મહારાષ્ટ્રમાં થયા હતા. પતિના અવસાન બાદ બાળકો સાથે સુરત આવી ભાડાના મકાનમાં રહેવા લાગી હતી. બાળકોનું ભરણપોષણ કરવાનું હોય અને આવકનો કોઈ સ્રોત ન હોવાથી મેં અન્ય લોકોના ધરે વાસણ કપડાં ધોયા. એક વખત સરકારના કાર્યક્રમમાં 100 મહિલાઓને લઈ ગઈ હતી. તંત્ર સાથે શરત કરી કે હું જે મહિલા લાવું તેનું કામ કરવું પડશે. ત્યારથી મારુ અભિયાન શરુ થયું. ઉન-ભેસ્તાનમાં માત્ર 2 વર્ષના ગાળામાં 2100 વિધવાઓને સરકારી યોજનાઓના લાભ અપાવ્યા છે. દરેક ધર્મને જ્ઞાતિની મહિલાઓને હું મદદ કરું છું. જે પરિસ્થિતિથી હું પસાર થઈ છું તે અન્ય મહિલા ન થાય આ માટે હું વિધવાઓની મદદ કરું છું એટલું જ નહીં અન્ય મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સીવણ ક્લાસ પણ ચલાવું છું.
મારા પતિનું 3 વર્ષ પહેલા અવસાન થયું હતું. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. હું કપડાં પર હીરા ચોંટાડવાનું કામ કરું છું. બાળકો થોડી મદદ કરે છે. હું વિધવા પેન્શન સહાય યોજના વિશે જાણતી નહોતી આયેશા બેને મને જાણ કરી. ભણી નથી તેથી ફોર્મ કઈ રીતે ભરી શકાય તે અંગે મને જાણકારી નથી. તેમણે મને તમામ કાગળો એકઠા કરવામાં મદદ કરી તે મારા માટે દેવદૂત સમાન છે...ફરિદા(વિધવા લાભાર્થી, સુરત)
મારા પતિનું છ વર્ષ પહેલા કિડની ખરાબ થવાથી મૃત્યુ થયું હતું. આયેશા બેનના કારણે મને ખબર પડી કે ફોર્મ ભરી સહાય મેળવી શકાય છે. તેઓએ મારી મદદ કરી. મારી પાસે માત્ર આધાર કાર્ડ હતું . તેમણે તમામ કાગળો વિનામૂલ્યે બનાવી આપ્યા. હું ભણી પણ નથી પણ તેમણે મારી બહુ મદદ કરી...નજમા(વિધવા લાભાર્થી, સુરત)
મારા સસરા મૃત્યુ પામ્યા હતા. કોઈપણ પ્રકારના કાગળ અમારી પાસે નહોતા. આયેશા બેન અમારા આવાસમાં આવ્યા અને અમને તમામ પ્રકારની જાણકારી આપી. અમે તેમની પાસેથી તમામ ફોર્મ ભરાવ્યા. અત્યારે જે રકમ મળે છે તેનાથી ઘર ચલાવવામાં રાહત થઈ જાય છે...જમીલા બી(લાભાર્થી, સુરત)
મારા પતિનું કેન્સરને લીધે મૃત્યુ થયું હતું. હું મારા ગામમાં ઉર્દુ ભાષામાં સાતમા ધોરણ સુધી ભણી છું આ માટે ફોર્મ ભરવાનું આવડતું નહોતું. આયશા આપાએ મારી મદદ કરી...સાયરાબેન(વિધવા લાભાર્થી, સુરત)
મારા પતિ 10 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. મરણ દાખલા અને આધાર કાર્ડ સિવાય અમારી પાસે કશું નહોતું. આયેશા બેન ફરિશ્તા બનીને આવ્યા. અનાજની પણ ક્યારે મદદ કરે છે હાલ તેમના કારણે અમને પેન્શન મળવા લાગ્યું છે. હું અંગુઠા છાપ છું ફોર્મ ભરવા માટેની જાણકારી નહોતી તેમણે અમારી મદદ કરી છે...આલમ નૂર(વિધવા લાભાર્થી, સુરત)