સુરતઃ લીંબાયતમાં 12 પાસ અને પૂર્વ એલઈઆઈસી એજન્ટ બોગસ તબીબ બનીને દર્દીઓની સારવાર કરતો હતો. જો કે આ બોગસ તબીબે ડેન્ગ્યૂ થયેલ 8 વર્ષની બાળકીની બોગસ સારવાર કરતા આ માસૂમ અને નિર્દોષ બાળકીનું મૃત્યુ થયું છે. લીંબાયત પોલીસે આ બોગસ તબીબની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ લીંબાયતના શ્રીજીનગરમાં રહેતા વેદપેલ્લી પરિવારની 8 વર્ષની દીકરી વેદાંસીની તબિયત ગત 20 નવેમ્બર 2023ના રોજ બગડી હતી. બાળકીને સામાન્ય તાવ અને ખાંસી હતી. જેથી બાળકીની માતા અંબિકા વેદપેલ્લી લીંબાયતના એક્તાનગરમાં ઘરે જ ક્લિનિક ચલાવતા ડૉ. શ્રીનિવાસ ઉર્ફે ડૉ. સીનુ પાસે લઈ ગઈ હતી. આ બોગસ તબીબે બાળકીને દવા ઉપરાંત ઈન્જેક્શન આપ્યા હતા. જો કે બાળકીની તબિયતમાં કોઈ સુધારો ન થતાં બાળકીનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ ડૉ. સીનુને બતાવવામાં આવ્યા હતા. જો કે તેની સારવારથી બાળકીને ફેર પડયો નહતો. 24મી નવેમ્બરે બાળકીને સિવિલ લઈ જવામાં આવી હતી. સિવિલમાં બાળકીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવવામાં ડો.સીનુએ આપેલાં ઈન્જેક્શન તેમજ દવાના નમૂનાને પણ પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસ કાર્યવાહીઃ લીંબાયત પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસે ક્લિનિક પર રેડ કરી હતી. પોલીસને આ તબીબ કોઈ પણ ડીગ્રી વિના દર્દીઓની સારવાર કરતો હોવાનું માલૂમ પડ્યું હતું. માત્ર અનુભવ અને અનુમાનના આધારે આ બોગસ તબીબ દર્દીઓને એલોપેથી સારવાર આપતો હતો. આ તબીબ લીંબાયત ઉપરાંત સલામતપુરા વિસ્તારમાં પણ ક્લિનિક ચલાવતો હતો.
લીંબાયત પોલીસને આરોપીના ક્લિનિકમાંથી બીપી માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ, થર્મોમીટર, નેબ્યુલાઈઝર મશીન સહિતનો સામાન તથા અલગ અલગ કંપનીની મેડિસિન મળી આવ્યા હતા. લીંબાયત પોલીસે બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળકીનું મોત ડેન્ગ્યુના કારણે થયું હતું. બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતાં તેમાં મોતનું કારણ ડેન્ગ્યુની બીમારી હોવાનું સામે આવ્યું હતું. આ બોગસ ડોક્ટરે તેનું નિદાન કર્યા વગર દવા અને ઇન્જેક્શન આપી બાળકીનો ઈલાજ કર્યો હતો...ભગીરથ ગઢવી (ડીસીપી, સુરત)