સુરત: કામરેજ તાલુકાના સહકારી નેતા અને સેવણી સહકારી મંડળીના પ્રમુખ કિશન પટેલ પરિવાર સાથે દુબઈમાં ફરવા ગયા હતા. તે દરમિયાન તેઓએ દુબઈમાં અલગ અલગ જગ્યાએ ફરવા માટે કાર ભાડે લીધી હતી. જેનો ચાલક પાકિસ્તાનના પેશાવરનો ઇમરાન અકીલ નામનો વ્યક્તિ હતો. આખો દિવસ દુબઈમાં અલગ અલગ જગ્યાએ ફર્યા બાદ રાત્રે નિયત સમયે હોટેલ પર પરત આવતા તેઓના પત્નીએ હાથમાં પહેરેલ હીરાથી મઢેલું બ્રેસલેટ દેખાયું ન હતું. જેને લઇને જ્યાં જ્યાં ફરવા ગયા હતા એ સ્થળે જઈને શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન 1.90 લાખની કિંમતના બ્રેસલેટનો કોઈ પત્તો ન લાગતાં તેઓએ બીજા દિવસે ભાડેથી કરેલ કારના ચાલક ઇમરાન અકિલને આ બાબતની જાણ કરી હતી. જોકે કિશનભાઈએ ઇમરાન સાથે સંપર્ક નંબરની આપ લે કરી ભારત પરત આવી ગયા હતા.
કારની સાફ સફાઈ કરતી વખતે બ્રેસલેટ નજરે ચડ્યું: ઇમરાન અકીલ પણ કાર દુબઈમાં મૂકી પોતાના પરિવાર સાથે પાકિસ્તાન જવા નીકળી ગયો હતો. ત્યારબાદ થોડા દિવસ પછી તે પરત આવી દુબઈમાં કાર સાફ કરી રહ્યો હતો તે દરમિયાન તેને આ બ્રેસલેટ નજરે ચડતા તેઓએ તુરંત કિશનભાઈએ વોટસએપ પર ફોટો મોકલ્યો હતો અને ખરાઈ કરી હતી. પાંચ મહિના બાદ બ્રેસલેટનો પત્તો લાગતા કિશનભાઈના પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી.
અહીં મહત્વની બાબત એ છે કે, જોગાનું જોગ કિશન પટેલ જે મંડળીના પ્રમુખ તરીકે સેવા આપે છે એ સેવણી સહકારી મંડળીના મેનેજર કમલેશભાઈ પણ હાલ દુબઈમાં ફરવા ગયા હતા. જેથી કિશનભાઈએ ઇમરાન અકીલનો કમલેશભાઈ સાથે સંપર્ક કરાવ્યો હતો. ઇમરાન અકીલે તરત કમલેશભાઈ પાસે જઈને આ કીમતી બ્રેસલેટ પરત કર્યું હતું. કિશનભાઈએ એક સામાન્ય પરિવારમાંથી આવતા અને કાર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ઇમરાન અકીલની ઈમાનદારીને દાદ આપી હતી.
કિશન પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, 'હું પરિવાર સાથે દુબઈ ફરવા ગયો ત્યારે આ ઘટના બની હતી. કીમતી બ્રેસલેટ ખોવાઈ જતા મારી પત્ની ખૂબ જ ચિંતામાં મુકાઇ ગઈ હતી, પરંતુ મને થોડો વિશ્વાસ હતો કે મારી પરસેવાની કમાણી હશે તો એક દિવસ જરૂર પરત આવશે. આ વિશ્વાસ રાખી હું ભારત પરત આવી ગયો હતો. ત્યારે પાંચ મહિના બાદ બ્રેસલેટ મળી ગયું હોવાનો મને મેસેજ મળતાં મેં ભગવાન અને ઇમરાન અકીલનો આભાર માન્યો હતો. આ ઘટના મને આજીવન યાદ રહેશે.'
આ પણ વાંચો: