સુરત : લોકોને હિપ્નોટાઈઝ કરી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીની સુરત જહાંગીરપુરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે દહેગામ સુધી પહોંચી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી લક્ઝરીયસ કાર લઈને મંદિર નજીક ઉભા રહીને વૃદ્ધ અને મહિલાઓને ટાર્ગેટ કરી પહેલા મંદિરના સરનામા અંગે પૂછતો હતો. ત્યારબાદ હિપ્નોટાઈઝ કરી તેમના રોકડ રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ જતો હતો.
ભેજાબાજ ઠગ : જહાંગીરપુરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ પોતે નાગા બાવાની ઓળખ આપી લોકો પાસેથી રોકડ રૂપિયા અને ઘરેણાં સહિત અન્ય વસ્તુઓ મેળવી નાસી જનાર આરોપી વિશે અનેકવાર પોલીસ ફરિયાદ મળી હતી. લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી અને આખરે દહેગામથી વનરાજ મદારી નામના આરોપીની ધરપકડ કરી છે. આ વ્યક્તિ મદારી કોમનો માથાભારે શખ્સ ગણાય છે. જ્યારે આરોપીની મોડસ એપ્રેન્ટી અંગે જાણ થઈ ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આરોપીની મોડસ ઓપરેન્ડી : આરોપી લક્ઝુરિયસ કાર લઈને મંદિરની બહાર ઉભો રહેતો હતો. ત્યારબાદ ત્યાં આવતા કોઈ વ્યક્તિ, વૃદ્ધ અથવા તો મહિલાને મંદિરનું સરનામું પૂછતો હતો. આરોપી જે તે વ્યક્તિ સાથે વાત કરવા લાગતો અને તેમને હિપ્નોટાઈઝ કરી તેમની પાસેથી દાગીના ઉતરાવી લેતો હતો. અનેક કિસ્સામાં આરોપી રોકડ રૂપિયા પણ મેળવી લેતો હતો. ઠગાઈ કર્યા બાદ આરોપી કારમાં નીકળી જતો અને ભોગ બનનારને ખબર પડતી હતી કે તેમની સાથે આ ઘટના બની છે. આરોપી જાગીરપુરા પોલીસ મથક વિસ્તારમાં જ 8 લાખ રૂપિયાની ઠગાઈ કરી ચૂક્યો છે.
મહિલા અને વૃદ્ધ મુખ્ય ટાર્ગેટ : આ સમગ્ર મામલે DCP રાકેશ બારોટે જણાવ્યું કે, આરોપી વનરાજ કારમાં વૃદ્ધ અને મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. પહેલા ધાર્મિક વાતો કરતો અને ત્યારબાદ હિપ્નોટાઈઝ કરી તેમની કીમતી વસ્તુઓ કઢાવી લેતો હતો. વડોદરા, સુરત, ભરૂચ અને દહેગામ સુધી આરોપીએ કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે. બાતમીના આધારે પોલીસે જ્યારે CCTV ફૂટેજની તપાસ કરી ત્યારે સફેદ રંગની કાર દેખાઈ હતી. જેના આધારે પોલીસ ભરૂચ સુધી પહોંચી અને આરોપીને શોધી કાઢ્યા હતા. આ સમગ્ર મામલે હજુ પણ બે આરોપીઓ વોન્ટેડ છે.