સુરત: સુરત શહેરના પાલ વિસ્તાર ખાતે આવેલા કરોડો રૂપિયાની સોનાની લગડી જેવી જમીન પચાવી પાડવા માટે કાવતરું રચનાર પ્રખ્યાત બિલ્ડર અને હીરાના વેપારી વસંત ગજેરા સહિત ચાર લોકો સામે ગુનો નોંધ્યો છે. સુરત પોલીસે આ ગુનો ત્યારે નોંધ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે આ અંગે એફઆઇઆર નોંધવા માટે આદેશ કર્યો હતો. 82 વર્ષીય મૂળ માલિકની ગેરહાજરીમાં તેઓએ સરકારી અધિકારીઓના મેળા પીપળાથી ત્રણ વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો અને આ ઠગબાજોએ 90 કરોડમાં જમીન વેચવા પણ કાઢી હતી.
મંગળવારે કેસ નોંધાયો: સુપ્રીમ કોર્ટે 9 ફેબ્રુઆરીએ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યા બાદ મંગળવારે પાલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મુખ્ય ફરિયાદી 82 વર્ષીય મહિલા છે. પોતાની સાથે થયેલ છેતરપિંડી અને ગેરરીતિ મામલે મહિલાએ વારંવાર સુરત પોલીસને રજૂઆત પણ કરી હતી. કોઈ નિકાલ નહીં આવતા આખરે ફરિયાદી મહિલા કોર્ટની શરણે ગયાં હતાં. જિલ્લા કલેક્ટર કચેરીએ વેચાણ કરારમાં કરવામાં આવેલી બનાવટી કાર્યવાહી અંગેના તેના વાંધાઓ પોલીસે સાંભળ્યા ન હોવાથી કોર્ટમાં ગયા હતાં.
ચુકવણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો: જમીન પાલ વિસ્તારમાં સર્વે નંબર 164 (3,339 ચોરસ મીટર) અને સર્વે નંબર 177 (3,642 ચોરસ મીટર) હેઠળ આવેલી છે. વારસદાર જમીન લક્ષ્મીબેન અને તેમના સાત સંબંધીઓ પાર્વતીબેન, અશોકભાઈ, વીણાબેન, સતીષભાઈ, ગીરીશભાઈ, દક્ષાબેન અને સવિતાબેનની છે. વર્ષ 2012માં આરોપી આદિત્ય અને તેના પિતા હીરાલાલે આ આઠ માલિકોમાંથી પ્રત્યેકને 11,111 રૂપિયા આપ્યા હતા અને વેચાણ કરાર કર્યો હતો અને વાયદો કર્યો કે જમીન બિનખેતીમાં ફેરવાયા બાદ અને વેચાણ ડીડ થયા બાદ બાકીની રકમ ચૂકવશે.
બોગસ વેચાણ કરાર તૈયાર કર્યો: જોકે, બાદમાં પિતાપુત્રએ વેચાણ કરારમાં કેટલાક પાનાં બદલીને બોગસ વેચાણ કરાર તૈયાર કર્યો હતો. વધુમાં, તેઓએ નકલી પાવર ઓફ એટર્ની બનાવી કે જેણે આદિત્યને જમીન વેચવાની સત્તા આપી. આ 2012માં કરવામાં આવ્યું હતુ. બોગસ વેચાણ કરારમાં લક્ષ્મીબેન અને અન્ય સાતને 2010માં ત્રણ હપ્તામાં રૂ. 1.36 લાખ અને 2013માં રૂ. 7.36 લાખ આપ્યા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. કરારમાં રૂ. 2.75 લાખના ચેકની ચૂકવણી અને કેટલીક રોકડ ચુકવણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વાંધાઓની અવગણના કરવામાં આવી: 19 જૂન, 2016ના રોજ, આદિત્યએ બોગસ પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કર્યો હતો અને રાંદેરમાં સબરજિસ્ટ્રાર ઓફિસમાં વેચાણ ડીડ કરવા માટે બનાવટી વેચાણ કરાર કર્યો હતો. તેણે વસંત ગજેરા, બકુલ ગજેરા અને ધર્મેશ હપાણીની તરફેણમાં જમીનની નોંધણી કરાવી હતી. આ સમગ્ર મામલે ફરિયાદીએ કલેકટર કચેરી સહિત સુરત પોલીસને વારંવાર રજૂઆત કરી હતી પરંતુ કોઈ નિકાલ નહીં આવતા આખરે તેઓ કોર્ટના સરને ગયા હતા. આખરે સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે સુરત પોલીસને એફઆઇઆર નોંધવા માટે આદેશ કર્યા હતા. મિલકતની આ નોંધણી વખતે લક્ષ્મીબેન કે તેમના સાત સંબંધીઓમાંથી કોઈ હાજર નહોતું. જ્યારે પરિવારને આ અંગે જાણ થઈ ત્યારે તેઓએ કલેક્ટર કચેરીમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેમના વાંધાઓની અવગણના કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવાર કોર્ટમાં ગયો હતો.
વેચાણ ડીડ રજીસ્ટર કરાવી : ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદી અને તેના સંબંધીઓની વારસદારની મિલકત હડપ કરવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ 11,111 રૂપિયા ચૂકવીને આઠ લોકો સાથે વેચાણ કરાર કર્યો હતો. બાકીની રકમ વેચાણ ડીડ સમયે જમીનને બિનખેતીની સ્થિતિમાં રૂપાંતરિત કર્યા પછી ચૂકવવાની હતી. આરોપીઓએ પાછળથી વેચાણ કરારમાં પાના બદલ્યા હતાં અને ફરિયાદી અને તેના સંબંધીઓને જાણ કર્યા વિના વેચાણ ડીડ રજીસ્ટર કરાવી હતી. આ આરોપીઓ સિવાય આ કેસમાં કોણ સામેલ છે તે જાણવા માટે તેઓ કેસની તપાસ કરી રહ્યા છે. વિવાદિત જમીનની વર્તમાન બજાર કિંમત 90 કરોડ રૂપિયા છે. ફરિયાદી લક્ષ્મીબેન જગજીવનદાસ સુરતી અનુસૂચિત જાતિના હોવાથી કેસ સુરત શહેર પોલીસના એસસી એસટી સેલને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.