સુરત : ક્રાઇમ સીરીયલના એક પણ એપિસોડ જોયા વગર ન રહેનાર 13 વર્ષીય કિશોરે મોબાઈલ માટે ચોરી કરી. શહેરના ડુમ્મસ રોડ વાય જંક્શન નજીક હાઈ સિક્યુરિટી ધરાવતા વાસ્તુ લક્ઝરિયા બિલ્ડિંગમાં પહેલા માળે ફ્લેટના બેડરૂમના બાથરૂમની કાચની બારીમાંથી પ્રવેશ કરીને રોકડ અને સોનાના દાગીના મળી રૂ. 8.4 લાખના મુદ્દામાલની ચોરીનો બનાવ નોંધાયો હતો. ઉમરા પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી ચોરીનો ભેદ ઉકેલી રાજસ્થાની કિશોર તસ્કરની ધરપકડ કરી છે.
વેપારીના ઘરમાં ચોરીનો બનાવ : ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ડુમસ રોડ સ્થિત વાસ્તુ લક્ઝરિયા બિલ્ડિંગના પહેલા માળે રહેતા ધર્મેશભાઈ કોઠારી ઉધના ખાતે કોપર વાયર બનાવવાનો વ્યવસાય કરે છે. તેઓ ધંધાકીય કામે દિલ્હી ગયા હતા, તેમના પત્ની પ્રિયંકાબેન બપોરે ખરીદી કરવા ગયા - હતા. સાંજે પરત ફરતાં તેમના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ જણાયો હતો. બીજી ચાવીથી ફ્લેટનો મુખ્ય દરવાજો ખોલીને પ્રવેશ કરતાં જોયું તો બેડરૂમનું ડ્રોઅર તૂટેલું હતું. ઘરમાં ચોરી થઇ હોવાનું જણાતાં તપાસ કરી તો સોનાનું બ્રેસલેટ 120 ગ્રામ કિંમત રૂ. 6,24,000, સોનાની ચેઈન 40 ગ્રામ કિંમત રૂ. 2,08,000 સોનાની ડાયમંડવાળી વીંટી રોકડ રૂ. 10,000 એમ કુલ રૂ. 8,94,000નો મુદ્દામાલની ચોરી થઈ હોવાની ખબર પડી હતી. ચોરીના બનાવ અંગે પ્રિયંકાબેન ધર્મેશભાઈ કોઠારીએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આરોપી કિશોરે બાથરૂમનો કાચ તોડી પ્રવેશ કર્યો આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ચોરીના બનાવમાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ તેર વર્ષીય તસ્કરને પકડી પાડ્યો હતો. પોલીસે રાજસ્થાની કિશોર પાસેથી સોનાના દાગીના અને રોકડ કબજે કરી હતી. ડુમસ રોડ ઉપરના વાસ્તુ લક્ઝરિયામાં રહીને કામ કરતાં મોટા ભાઇને મળવા અવારનવાર બાળકિશોર આવતો હતો, બીજી તરફ તેને મોબાઇલ ફોન લેવાની અને મોજશોખની ઇચ્છાના કારણે કોઠારી પરિવારના બંધ ફલેટના બાથરૂમનો કાચ તોડી પ્રવેશ કર્યો હતો.
કિશોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે જ્યાં બાથરૂમમાંથી ફલેટના બેડરૂમમાં જતાં પગલાં પડયા હતાં, જે પગલાં કિશોર વયસ્કના હોવાથી ઉમરા પોલીસે આજુબાજુના રહીશોની પૂછપરછ અને સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, ત્યારે શંકાસ્પદ હિલચાલ હેઠળ રાજસ્થાની કિશોરને પોલીસે પૂછપરછ કરતાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી...વિજયસિંહ ગુર્જર ( ડીસીપી )
મોબાઈલ માટે ચોરી : તેઓ વધુમાં જણાવ્યું હતું કે કિશોર ક્રાઇમ સીરીયલ વધારે જોતો હતો. મોબાઈલ લેવા માટે તેણે આ ચોરી કરી હતી. ફ્લેટના પાછળ આવેલા પાઇપના માધ્યમથી તે ઘરના અંદર ઘૂસ્યો હતો. બાથરૂમ ના અંદર તેના ફૂટ પ્રિન્ટ જોઈ પોલીસને અંદાજો આવી ગયો હતો કે કોઈ કિશોર દ્વારા આ કૃત્ય કરાયું છે ત્યારબાદ પોલીસે તપાસ કરી તેની દર પકડ કરી હતી.