સુરત: શહેરના અઠવા વિસ્તારમાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થાને એલસીબી ઝોન-૪ની ટીમ અને પાંડેસરા પોલીસે ગાંજાના જથ્થાને ઝડપી લઈને નો ડ્રગ્સ ઈન સુરતની ઝુંબેશને વેગવંતી બનાવી છે. શહેરમાં નશીલા પદાર્થના ગેરકાયદે વેપલા સામે DCP ઝોન-૪ વિજય ગુર્જરની સૂચના મુજબ LCB ઝોન-૪ ટીમના ASI રોહિત બ્રહ્મભટ્ટને મળેલી બાતમીના આધારે નાનપુરા સ્થિત કદમભવનની ગલીમાં વોચ ગોઠવી હતી.
આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો: LCB ટીમે વોચ ગોઠવી હતી જે દરમિયાન મોટરસાઈકલ લઈને પસાર થતાં (1) બિટ્ટુ સુબોધ પાંડે (ઉ.વ. 21, રહે. અંબિકાનગર, વડોદ ગામ), (2) પ્રશાંત જયરામ પ્રજાપતિ (ઉં.વ. 19, રહે. ગુરુકૃપાનગર, પાંડેસરા)ને રસ્તા વચ્ચે આંતર્યા હતા. જેઓની તપાસ કરતા તેમની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ 100.060 ગ્રામ કિંમત રૂ. 10,06,000નો જથ્થો મળી આવ્યો હતો.
વધુ નાણાની લાલચમાં હેરાફેરી કરતા હતા: ડ્રગ્સના જથ્થા સાથે પકડતા બંને યુવાનોને અઠવા પોલીસ મથકમાં લવાયા હતા. પકડાયેલા બંને આરોપીઓ કાપડના કારખાનામાં મજૂરીકામ કરે છે, વધુ નાણા કમાણી કરવાની લાલચમાં ડ્રગ્સની હેરાફેરી કરવા લાગ્યા હતા.જ્યારે વધુ પ્રાપ્ત વિગત મુજબ પાંડેસરા પોલીસ મથકના પીઆઇ એન. કે.કામળિયાની સૂચના મુજબ સ્થાનિક વિસ્તારમાં નશીલા પદાર્થના ગેરકાયદે નેટવર્ક સાથે સંકળાયેલા અસામાજિક તત્ત્વો સામે સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રઘાર પેડલરો મારફતે ચલાવતો હતો વેપલો: ઝોન 04 ડીસીપી વિજય ગુર્જરે જણાવ્યું હતું કે, ASI રાજુ દેવાભાઈ આહીર અને ટીમ સાથે વડોદ ગામે આવેલા ગણેશનગર ખાતે રહેતા જીતેશ ઉર્ફે પંડિત જિતેન્દ્ર મિશ્રા અને અંકિતસિંગ રામપાલસિંગ ઠાકુર (રહે. ગણેશનગર)ના ઘરે છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસે1,725 ગ્રામ ગાંજો કિંમત રૂ. 17,250ના જથ્થો કબજે કર્યો હતો. જીતેશ ઉર્ફે પંડિત પોતાના પેડલરો મારફતે શહેરના જુદા જુદા વિસ્તારમાં ગાંજો અને MD ડ્રગ્સની પડીકી સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું છે. ગાંજો અને MD ડ્રગ્સ કોની પાસેથી લાવવામાં આવતો હોવા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.