સુરત : તમિલનાડુના કાલભૈરવ મંદિરમાં ઉપાસક તરીકે રહેનાર અને આવનાર ભક્તોના ભવિષ્ય જોવાનું કામકાજ કરનાર વિરામની ઉર્ફે અન્ના ઉર્ફે પાંડુરંગા આંડીયાપાનને ખબર નહોતી હજારો કિલોમીટર દૂરથી આવીને સુરત પોલીસ તેની ધરપકડ કરવાની છે. ભક્તોને ભવિષ્ય બતાવનાર વિરામિનીની કુંડળી જેલયોગ છે તેની ખબર તેને પડી ન હતો.
એનડીપીએસનો ગુનો : વર્ષ 2020માં સુરત ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ ગુનામાં વોન્ટેડ આરોપીની શોધખોળ કરી રહી હતી. વર્ષ 2023માં પણ આરોપી વિરામની અન્ના વિરૂદ્ધ એનડીપીએસનો ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં આરોપીને વોન્ટેડ પણ જાહેર કરાયો હતો. આરોપી વિરામની વચગાળાનો જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. પોલીસ શોધી શકે નહીં અને પોતાની ઓળખ છુપાવવા માટે આરોપી તામિલનાડુ નાસી ગયો હતો. તામિલનાડુના શિવ ગંગા જિલ્લા ખાતે આવેલા વેલનગુડી ગામમાં તે કાલભૈરવ મંદિરમાં ઉપાસક બનીને છુપાઈ ગયો હતો. આરોપીએ ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું રચ્યું હતું.
સુરત શહેરના ડુમ્મસ વિસ્તારમાં 1011.82 કિલોગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. એક કરોડ રૂપિયાથી પણ વધુ મુદ્દામાલ સાથે પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી સલમાન અને મનોજ નામના આરોપીઓ પેરોલ જંપ કરી ફરાર થઈ ગયા હતાં. સલમાનની ધરપકડ નેપાળ બોર્ડર નજીક બિહાર ખાતેથી વર્ષ 2023માં કરવામાં આવી હતી. જ્યારે મોહન સહિત અન્ય આરોપી થાણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 55.53 લાખના એમડી ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂક્યા હતાં. આ કેસના કેટલાક આરોપીઓ સુરત જેલમાં હતાં. આ કેસમાં મહારાષ્ટ્ર રાયગઢ ખાતે એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી વિરામની અન્ના અને લક્ષ્મણ પટેલે નાખી હતી. ત્યાંથી ડ્રગ્સ લાવવામાં આવ્યા હતા. બનેં આરોપીઓની ધરપકડ કરાઇ હતી, તેઓ સુરતની જેલમાં બંધ હતાં. વિરામની અન્ના અને ઘનશ્યામ મુલાની સહિત અન્ય લોકો એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું રચ્યું હતું...રુપલ સોલંકી ( ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ )
ડ્રગ્સ કેસના આરોપીની ધરપકડ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વચ્ચે પેરોલ જમ્પ કરી વિરામની અન્ના ફરાર થઈ ગયો હતો. આ વચ્ચે અન્ય આરોપી સુનીલ જેલમાં રહી મોબાઈલથી સંપર્કમાં હતો. આ સમગ્ર પ્રકરણમાં આરોપી વિરામનીની પોલીસ શોધખોળ કરી રહી હતી અને આખરે તેની ધરપકડ તામિલનાડુથી કરવામાં આવી છે. આરોપી ત્યાં આવેલા વેલનગુડી ગામમાં કાલભૈરવ મંદિરમાં ઉપાસક બનીને છુપાયો હતો. એટલું જ નહીં, ત્યાં આવનાર ભક્તોને જ્યોતિષ વિદ્યા જાણકાર બનીને ભવિષ્ય પણ બતાવતો હતો. પોતાની ઓળખ ન થાય આ માટે તે મંદિરમાં છુપાયો હતો.