સુરત: સુરતના સીંગણપોર વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગની ઘટના પ્રકાશમાં આવી હતી, આ અંગે સીંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાંચે મોપેડની નંબર પ્લેટ બદલી ગુનાને અંજામ આપનાર સન્ની બાબુભાઇ પટેલ નામના આરોપીની નાનપુરા માછીવાડ ખાતેથી ધરપકડ કરી હતી.
નોકરી છુટી જતાં બન્યો ચેન સ્નેચર: પોલીસના હાથે ઝડપાયેલા આરોપી સન્નીએ જણાવ્યું હતું કે, તે રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હતો. દિવાળી બાદ હીરા કારખાનામાં આવેલી મંદીના કારણે નોકરી છૂટી જતા તે બેકાર બન્યો હતો. આર્થિક સંકડામણના કારણે માથે દેવું થઈ જતા અને ઘરખર્ચ કાઢવા તેણે ચેન સ્નેચિંગનો માર્ગ અપનાવ્યો હતો. પોલીસ સમક્ષ કબુલાતમાં તે નશો કરતો હોવાનું પણ જણાયું હતું.
2 લાખથી મુદ્દામાલ જપ્ત: સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર લલિત વાગડીયાએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી સ્નેચિંગ કરેલ સોનાની ચેન, મોપેડ સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી પોલીસને સોનાની ચેન સહીત કૂલ રૂપિયા 2 લાખ 3 હજાર 750નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
કેવી રીતે આપતો હતો ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ: આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે ધંધામાં મંદી ચાલતી હતી અને દિવાળી બાદ તેને કામ પર બોલાવેલ ન હતો.જેથી, તેને આજ દિન સુધી બીજું કોઈ કામ ન મળતા દેવું પણ થઇ ગયું હતું, જેથી આરોપીએ સોનાની ચેન પહેરેલી એકલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને ચેન સ્નેચીંગ કરવાનું નક્કી કર્યું હતું.પોતાની એક્ટિવા મોપેડમાં નંબર પ્લેટ બદલીને તે ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપતો હતો.