સુરત: સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલી તેરેનામ ચોકડી પાસે ક્રિષ્ના જનરલ ટ્રોમા હોસ્પિટલમાંથી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવનાર બોગસ આરોપી ડો.શોભિતસિંગ મહિપાલસિંહ ઠાકુરને ઝડપી પાડ્યો હતો. આરોપી ડોક્ટરે અન્ય સાચા ડોક્ટરના નામનું બોગસ સર્ટિફિકેટ બનાવી તેને વેચ્યું હતું. હાલ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ઘરવામાં આવી છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ તેરેનામ ચોકડી પાસે ક્રિષ્ના જનરલ ટોમા હોસ્પિટલમાંથી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવનાર બોગસ આરોપી ડો.શોભીતસિંગ મહિપાલસિંહ ઠાકુરને ઝડપી પાડ્યો હતો.
જેલમાં બંધ આરોપીને જામીન અપાવવા નકલી મેડિકલ સર્ટિ
આ બાબતે સુરત ક્રાઇમ બ્રાંચના PI કે.આઈ.મોદીએ જણાવ્યું કે, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરોને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત વર્ષ 2020માં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂપિયા 1 કરોડના એમ.ડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે આરોપી આદિલ સલીમ નુરાની વિરુદ્ધ NDPS એક્ટ મુજબની કાર્યવાહી કરી આરોપીને લાજપોર જૈલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
આરોપી 2020થી લાજપોર જૈલમાં છે. આરોપીની માતા મોરીના સલીમ નુરાનીની એનજીઓગ્રાફી કરવા માટે જામીન જોઈતા હોવાથી મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ મેડિકલ સર્ટિફિકેટ ડો.શોભીતસિંગ મહિપાલસિંહ ઠાકુરે બનાવ્યું હતું. આ મેડિકલ સર્ટિફિકેટમાં ડો.દિલીપ તડવીના નામનું MBBSનું સર્ટિફિકેટ હાઇકોર્ટમાં મૂક્યું હતું. જે સર્ટિફિકેટ હાઇકોર્ટને ખોટું લાગતા આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. જે અનુસંધાને અમારી ટીમ દ્વારા આની તપાસ કરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં પકડાયો નકલી ડોક્ટર
જેમાં અમારા દ્વારા ડો.દિલીપ તડવીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના નામના મેડિકલ સર્ટિફિકેટ વિશે વાત કરતા તેઓએ આ સર્ટિફિકેટ પોતે ન બનાવ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી આ બાબતે ડો.શોભીતસિંગ મહિપાલસિંહ ઠાકુરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેણે આ મેડિકલ સર્ટિફિકેટ ખોટી રીતે બનાવ્યું હતું. જે મેડિકલ સર્ટિફિકેટ આરોપી આદિલને આપ્યું હતું. જે બાબતે અમારી ટીમ દ્વારા આરોપી ડો.શોભીતસિંગ મહિપાલસિંહ ઠાકુર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે પોતે ડોક્ટર નથી પરંતુ બોગસ ડોક્ટર બની લોકોના સ્વાસ્થ્ય જોડે પણ ચેડા કરી રહ્યો છે.
પોલીસે જણાવ્યું કે, અમારી ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ક્રિષ્ના જનરલ ટ્રોમા હોસ્પિટલ ચલાવતા બોગસ ડો.શોભીતસિંગ મહિપાલસિંહ ઠાકુરને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત ડોક્ટર અગાઉ પકડાયો નથી તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. પરંતુ નામદાર કોર્ટમાં રજૂ કરી તેમની રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન બોગસ મેડિકલ સર્ટિફિકેટ કોને કોને બનાવી આપ્યું છે? મેડિકલ સર્ટિફિકેટ બનાવવામાં કોણ કોણ સામેલ છે? તે સમગ્ર બાબતે તપાસ કરવામાં આવશે. તથા આરોપી આદિલના જામીન રદ કરવા માટે પણ અમારી કામગીરી શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત આ રીતે ખોટી રીતે હાઇકોર્ટમાં મેડિકલ સર્ટી મૂકવી એ ખૂબ જ ગંભીર બાબત છે. જે હાઇકોર્ટને પણ ગેરમાર્ગે દોરવામાં આવી છે. તે સાથે પોલીસને પણ ગેરમાર્ગે દોરવામાં આવી છે. જેથી સમગ્ર બાબતે હાલ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: