સુરત : સુરત શહેરના આભવા વિસ્તાર ખાતે આવેલા આગમ શોપિંગ સેન્ટરમાં ભરકાદેવી આઈસ્ક્રીમ સેન્ટર બહાર સવારે 7:00 વાગ્યાના અરસામાં શહેરના બુટલેગર નાનુની પ્રદીપ શુક્લા સહિત ત્રણ લોકોએ તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. કુલ 17 જેટલા ઘા મારી તેની હત્યા કરાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી આવ્યાં : સુરત શહેરના આભવા ગામના ગણેશ ફળિયામાં રહેતા અને લિસ્ટેડ બુટલેગર નાનું ઉર્ફે નાનીયો રાબેતા મુજબ સવારે 07:00 વાગે પોતાના કૌટુંબિક ભત્રીજા ડેનિસ સાથે આગમ શોપિંગ સેન્ટર ખાતે આવેલા ભરકાદેવી આઈસ્ક્રીમ નામની દુકાનની આગળ ચાની લારી ઉપર ગયો હતો. ત્યારે મોપેડ પર ત્રણ લોકો અચાનક આવીને તેની ઉપર હથિયાર વડે એક બાદ એક 17 જેટલા ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ નાસી ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતાં. નાનીયા નામૃતદેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતાં.
પ્રદીપએ લીવરનું ઓપરેશન કરાવ્યું હતું : આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, મરનાર નાનીયા ઉપર પ્રોહીબિશનના અનેક કેસો થઈ ચૂક્યા છે 50000 રૂપિયાની લેતી દેતી મામલે આ હત્યા થઈ હોવાનું હાલ આરોપીઓ જણાવી રહ્યા છે. પોલીસે હત્યા કરનાર ત્રણે આરોપીઓની નંદુરબારથી ધરપકડ કરી છે. આરોપી પ્રદીપે જણાવ્યું હતું કે તેણે નાનીયાને 50,000 રૂપિયા ઉછીના આપ્યા હતાં. પરંતુ તે પરત કરી રહ્યો નહોતો. છ મહિના પહેલા જ પ્રદીપે લીવરનું ઓપરેશન કરાવ્યું હતું. જેથી તે વારંવાર નાનીયા પાસે પૈસાની ઉઘરાણી કરી રહ્યો હતો, પરંતુ તે આપતો નહોતો અને ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી ઉશ્કેરાઈને તેને પોતાના બે અન્ય માણસો સાથે મળીને તેની હત્યા કરી હતી.