સુરત : ડીંડોલી વિસ્તારમાં આવેલી એક હોટલમાં નોકરી કરતા કારીગરને ઘા મારીને તેની હત્યા કરવાની કોશિશ થઈ હોવાનો બનાવ થોડા દિવસ અગાઉ બન્યો હતો. જોકે હોટલકર્મીની હત્યાના પ્રયાસ કેસમાં પોલીસની તપાસમાં નવો જ વળાંક આવ્યો હતો અને એવું જણાયું હતું કે કારીગર પર કોઈએ હુમલો કર્યો નહોતો પરંતુ તેણે પોતેજ તણાવમાં આવી જઈને ફોન તોડી નાખીને ઘા માર્યાં હતાં અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
ઘટના અંગે લોકોએ પોલીસને જાણ કરી દીધી હતી અને પી.સી.આર.વેન આવી ગઈ હતી. પોલીસે તેને તરત સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને તેનો જીવ બચી ગયો હતો. આ અંગે તપાસ કરતા પોલીસને કોઈ કલુ મળ્યો મ હતો. પોલીસને શંકા ગઈ હતી અને તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આખરે તેણે જણાવ્યું હતું કે પોતાના અંગત કારણોસર તે આત્મહત્યા કરવા માંગતો હતો...ભગીરથ ગઢવી ( ડીસીપી, સુરત પોલીસ )
હોટલ નજીક હુમલો થયાંનો મામલો : ડીંડોલી વિસ્તારમાં આવેલી ફૂડલવર હોટલમાં કામ કરતા કારીગર કીશુન ચેતલાલ રવિદાસ ઉપર ગત 27મી જાન્યુઆરીના રોજ હોટલ નજીક હુમલો થયો હતો. કીશુન મૂળ પડરિયા, હજારીબાગ, ઝારખંડનો રહેવાસી છે. કીશુન ચેતલાલ રાત્રીના સમયે હોટલની પાછળના ભાગે સવારે 7 વાગ્યે પેશાબ કરવા માટે ગયો હતો ત્યારે કોઈએ તેને ઘા મારતાં ગંભીરપણે ઘાયલ થયેલા કીશુનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં આરોપીઓ સુધી પહોચવા માટે ડીંડોલી પોલીસ મથકના પી.આઈ.આર.જે.ચુડાસમાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના પી.એસ. આઈ.હરપાલસિંહ મસાણી અને તેમની ટીમ આ ગુનાને ડિટેકકટ કરવાનાં કામે લાગી હતી.
પોતાનો ફોન બંધ કરી દીધો હતો : કીશુન ચેતલાલને ગંભીર ઈજા થતા તેની સ્વરપેટી કપાઈ ગઈ હતી. જેથી પોલીસે તેને પેન અને કાગળ આપીને ઘટનાને દિવસે શું બન્યું હતું તેની હકીકત લખીને જણાવવા માટે કહ્યું હતું. જેમાં કીશુનએ એવી વાત લખી હતી કે હકીકતમાં કોઈએ તેના પર હુમલો કર્યો નહોતો પરંતુ તે પોતે તણાવમાં આવી જાતે પોતાને ઇજા કરી હતી. પોલીસને એમ લાગે કે તેના પર હુમલો થયો છે તેવું બતાવવા માટે ઘટનાના બે દિવસ અગાઉ જ પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને ફોન તોડી નાખ્યો હતો અને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. અંગત કારણોસર તે આત્મહત્યા કરવા માંગતો હતો.