સુરત : રામાયણમાં ઉલ્લેખ છે કે રામસેતુ નિર્માણમાં ભગવાન રામની મદદ કરવા માટે ખિસકોલીએ પણ સહયોગ આપ્યો હતો. 500 વર્ષના સંઘર્ષ બાદ તૈયાર થઈ રહેલા રામ મંદિર નિર્માણમાં સુરતની એક નાનકડી દીકરીએ ખિસકોલી રુપી યોગદાન આપી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતની બાળ કથાકાર ભાવિકા મહેશ્વરીએ માત્ર 11 વર્ષની ઉંમરથી કથા વાંચન કરી ધીરે ધીરે પૈસા એકઠા કર્યા અને ભવ્ય રામ મંદિર નિર્માણમાં સહયોગ આપતા રુ. 52 લાખની ધનરાશિ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટને અર્પણ કરી છે. ભાવિકા મહેશ્વરીએ આજ દિન સુધી 50,000 કિલોમીટરની યાત્રા કરી અને 300 થી પણ વધુ કાર્યક્રમો કર્યા છે.
51 લાખની સમર્પણ રાશિ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકો પોતપોતાની રીતે યોગદાન આપી રહ્યા છે, આ જાણીને 11 વર્ષની ભાવિકાએ પણ માતા-પિતાના સહયોગથી ભવ્ય રામ મંદિરમાં પોતાનું યોગદાન આપવાનું વિચાર્યું હતું. નાનપણથી જ રામાયણમાં રુચિ રાખનાર ભાવિકાએ ભગવાન રામ અને રામાયણને લઈ રામકથા વાંચન શરૂ કર્યું. જેમાં કોવિડ સેન્ટર અને જાહેર સભા સહિત જેલમાં પણ રામકથા કરી લોકોને પ્રોત્સાહિત કર્યા. ભાવિકાએ 15 જેટલી રામકથા કરી 52 લાખ રૂપિયા એકત્ર કરી શ્રી રામ મંદિર ટ્રસ્ટને સહયોગ રાશિ અર્પણ કરી છે.
જે રીતે ભગવાન રામની મદદ કરવા માટે ખિસકોલી પણ સામે આવી હતી, તે જ રીતે મેં પણ રામ મંદિર નિર્માણમાં યોગદાન આપ્યું છે. મારા માતા-પિતાથી પ્રેરણા મળી હતી. હું નાનપણથી જ હું રામાયણ વાંચું છું. અનેક પેઢીઓ રામ મંદિર જોઈ શકી નથી, પરંતુ અમારી પેઢી માટે સૌભાગ્યની વાત છે કે ભવ્ય રામ મંદિર નિર્માણ જોવા જઈ રહી છે. -- ભાવિકા મહેશ્વરી
જેલમાં કરી રામકથા : જ્યારે વર્ષ 2021 માં શ્રીરામ મંદિરના નિર્માણ માટે સમર્પણ નિધિ એકઠી કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું, ત્યારે આ સમર્પણ નીતિમાં યોગદાન આપવા માટે ભાવિકાએ સંકલ્પ લીધો હતો. તેની કથા સાંભળીને જેલના બંદીવાનોએ રામ મંદિર બનાવવા માટે એક લાખ રૂપિયા પોતાની તરફથી આપ્યા હતા. આવી જ રીતે અલગ અલગ જગ્યાએ રામકથા કરીને રામ જન્મભૂમિ માટે રકમ એકત્ર કરી હતી.
રામાયણના મૂલ્યો પર વીડિયો સિરીઝ : આ ઉપરાંત નાનકડી ભાવિકાએ ધાર્મિકતા અને ભગવાન રામ પ્રત્યેની લાગણીના કારણે આજ દિન સુધીમાં 108 જેટલા રામાયણના મૂલ્યો પર વીડિયો પણ બનાવ્યા છે. જેને યુટ્યુબ પર લાખોની સંખ્યામાં લોકો જોઈ ચૂક્યા છે. ભાવિકાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર પુસ્તક પણ લખ્યું છે.
બાળ કથાકાર ભાવિકા : ભાવિકા મહેશ્વરીએ જણાવ્યું હતું કે, જે રીતે ભગવાન રામની મદદ કરવા માટે ખિસકોલી પણ સામે આવી હતી, તે જ રીતે મેં પણ નિમિત્ત બનીને રામ મંદિર નિર્માણમાં યોગદાન આપ્યું છે. મારા માતા-પિતાથી પ્રેરણા મળી હતી. હું નાનપણથી જ હું રામાયણ વાંચું છું. અનેક પેઢીઓ જે રામ મંદિર જોઈ શકી નથી, પરંતુ સૌભાગ્યની વાત છે કે અમારી પેઢી ભવ્ય રામ મંદિર નિર્માણ જોવા જઈ રહી છે.