સુરત: સચિન વિસ્તારમાં આવેલા પાલીગામે કૈલાશરાજ રેસિડન્સી બિલ્ડિંગ ધરાશાયી દુર્ઘટનામાં 7 શ્રમિકોનાં કરુણ મોત નિપજ્યાં હતાં. જેમાં બિલ્ડિંગના મુખ્ય માલિકો અને ભાડું ઉઘરાવતા આરોપી અશ્વિન વેકરિયા વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં પોલીસે આરોપી અશ્વિન વેકરીયાની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરતાં 2 દિવસના રિમાન્ડ ઉપર રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.
માલિકોની બેદરકારી સામે આવી: સચિન GIDC પોલીસના જણાવ્યા મુજબ પાલીગામની ક્રિશ્નાનગર સોસાયટીના કૈલાશરાજ રેસિડન્સી બિલ્ડિંગ ધરાશાયી થતાં દુર્ઘટનામાં 7 શ્રમિકોનાં મોત નિપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં સચિન GIDC પોલીસની પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગના મુખ્ય માલિકોની ગુનાહિત બેદરકારી છતી થઈ છે. પોલીસે બિલ્ડિંગના અમેરિકા રહેતા માલિક રાજ કાકડિયા, તેમની માતા રમીલાબેન અને રાજ કાકડિયાના કહેવાથી શ્રમિકો પાસે ભાડું ઉઘરાવતા અશ્વિન વિરજી વેકરિયા સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે અશ્વિન વેકરિયાની ધરપકડ કરી છે.
14 દિવસના રિમાન્ડની માંગણી કરી: આ કેસમાં PSI વી.વી.પટેલ ફરિયાદી બન્યા હતા. પોલીસે અશ્વિન વેકરિયાને કોર્ટ સમક્ષ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટમાં વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે, આરોપીની વધુ પૂછપરછ કરવી જરુરી છે. મુખ્ય આરોપી રાજ કાકડિયા અને રમીલાબેન હજી પકડાયા નથી. આરોપી રાજ અમેરિકા રહે છે, તેમની માતા રહેણાંકના સ્થળે મળી આવ્યા નથી.